- બાંગ્લાદેશમાં હિંસા, અરાજકતા દરમ્યાન હિંદુઓની સંપત્તિઓ, દુકાનો, મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા
- સરકારના પતન પછી 48 જિલ્લામાં 278 હિંદુ સ્થાનોને ધમકી, હુમલાની ઘટનાઓ સામે આવી
- બાંગ્લાદેશની નવી સરકાર પાસે હિંદુ સંગઠને વિવિધ માંગણીઓ મૂકી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી લઘુમતી હિંદુ સમુદાયના 48 જિલ્લાઓમાં 278 સ્થાનો પર હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડયો છેય હિંદુ સંગઠને આને હિંદુ ધર્મ પર હુમલા તરીકે જાહેર કર્યો છે. બાંગ્લાદેશ નેશનલ હિંદુ અલાયન્સના સભ્યોએ તાજેતરના દિવસોમાં થયેલા હુમલામાં વધારાની તરફ ઈશારો કરીને કહ્યું કે, ‘‘આ દેશમાં અમારા પણ અધિકાર છે. અમે પણ અહીં જન્મ લીધો છે.’’
હિંદુ વસ્તીને ટાર્ગેટ બનાવવામાં આવી
બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન પછી ઘણા દિવસો સુધી સતત ચાલી રહેલી હિંસા, અરાજકતામાં લઘુમતી હિંદુ વસ્તીને હિંસકી ટોળાએ નિશાન બનાવ્યું હતું. આટલું ઓછું હોય તે તેઓની દુકાનો, કોમર્શિયલ સેન્ટર, મંદિરોમાં લૂંટફાટ અને આગચંપી કરવામાં આવી હતી. શેખ હસીના પાંચમી ઓગસ્ટે બાંગ્લાદેશ છોડી સૈન્ય હેલિકોપ્ટરથી ભારતમાં શરણ લીધી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના થઈ અને મોહમ્મદ યુનુસે સત્તા સંભાળી લીધી છે. યુનુસે આઠ ઓગસ્ટે વચગાળાની સરકારના મુખ્ય સલાહકારના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો.
વચગાળાની સરકાર પાસે હિંદુ સંગઠનને આશા
બીએનએચજીએ સંગઠને છેલ્લા 24 વર્ષોથી જુદાજુદા રાજકીય દળો પાસે પોતાની માંગણી રાખી છે. પરંતુ તે હજી સુધી પૂર્ણ નથી થઈ. તેથી હવે શેખ હસીના સરકારના પતન બાદ રચાયેલી નવી વચગાળાની સરકાર કદાચ આ માંગ પૂર્ણ કરશે તેવી આશા રાખી રહ્યું છે. બીએનએચજીએના અધ્યક્ષે જણાવ્યું હતું કે, હિંદુ સમુદાય પર વારંવાર થતી હિંસા પર દુખ વ્યક્ત કર્યું છે અને જ્યારે પણ સરકાર બદલાય છે ત્યારે સૌથી પહેલા હિંદુઓ પર હુમલા થતા હોય છે. જેથી હિંદુ સંગઠને નવી વચગાળાની સરકાર પાસે પોતાની માંગણીઓ મૂકી છે.
બાંગ્લાદેશની નવી સરકાર પાસે માંગણી
બીએનએચજીએ સરકારમાં હિંદુ સમુદાયો પર તાજેતરમાં થયેલા હુમલાની ન્યાયિક તપાસ કરાવવી, લઘુમતી સંરક્ષણ અને પંચની રચના કરવી તેમજ જાહેર ખર્ચ પર મંદિરો અને ઘરોનો જિર્ણોદ્વારા કરાવવાની માગ કરી છે. મળતી માહિતી પ્રમાણે સંગઠને દોષિતો સામે તાત્કાલિક સુનાવણી અને તપાસ રિપોર્ટ જાહેર કરવાની, વર્ષ-2000થી અત્યાર સુધી લધુમતીઓની સાથે અત્યાચારો અને દુર્વ્યવહારનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. આ સિવાય દુર્ગા પૂજા દરમિયાન ત્રણ દિવસની રજા અને લધુમતી મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરી છે.