બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલની આગેવાની હેઠળના સમગ્ર પાંચ સભ્યોના ચૂંટણી પંચે ગુરુવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું. દેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ આ ઘટનાક્રમ થયો છે. આ પહેલીવાર છે જ્યારે દેશના ચૂંટણી પંચના અધિકારીઓએ તેમનો નિયત કાર્યકાળ પૂરો થયા પહેલા રાજીનામું આપી દીધું છે. અવાલને ફેબ્રુઆરી 2022માં પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આયોગના અન્ય સભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર
ચૂંટણી પંચના પરિસરની બહાર અને અંદર સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. કારણ કે રાજધાનીના અગરગાંવ વિસ્તારમાં સ્થિત નિર્વાચન ભવનની સામે મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થઈને અવલ અને આયોગના અન્ય સભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
સામાન્ય ચૂંટણી સમયે વિરોધ પક્ષે ચૂંટણી પંચનો કર્યો હતો બહિષ્કાર
7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજવા બદલ ચૂટણી પંચને ખાસ કરીને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જેનો મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સહિત મોટાભાગના પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. આ ચૂંટણીમાં શેખ હસીનાની અવમી લીગ સતત ચોથી વખત ફરીથી ચૂંટાઈ આવી હતી.
બાંગ્લાદેશમાં પ્રથમ વખત ચૂંટણી પંચે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું
તેમના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા અવાલે કહ્યું કે, બાંગ્લાદેશના 53 વર્ષના ઈતિહાસમાં એવું કોઈ ઉદાહરણ નથી કે ચૂંટણી પંચે પોતાનો કાર્યકાળ પૂરો કર્યા વિના સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોય.
શેખ હસીનાની સરકારના પતન બાદ એક મહિનામાં રાજીનામું
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) મોહમ્મદ અહેસાન હબીબ ખાન, રશીદા સુલતાના, મોહમ્મદ આલમગીર અને મોહમ્મદ અનીસુર રહેમાને શેખ હસીનાની સરકારના પતન પછી બરાબર એક મહિના પછી 5 ઓગસ્ટે રાજીનામું આપ્યું હતું.