• બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ પણ હિંદુઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે
  • ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે
  • શું તેમના રાજીનામા પાછળ શું છે કારણ

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન તેમને મુખ્ય ન્યાયાધીશ અને અરજી વિભાગના ન્યાયાધીશોના રાજીનામાની માંગ કરી અને એક કલાકમાં રાજીનામું આપવાની ધમકી આપી. આ પછી ઓબેદુલ હસને ચીફ જસ્ટિસના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા.

આને લઈને વચગાળાની સરકારના કાયદા, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી આસિફ નઝરુલે ફેસબુક પર પોસ્ટ કર્યું કે કાયદા મંત્રાલયને ઓબેદુલ હસનનું રાજીનામું પત્ર મળી ગયું છે. તેઓ કોઈપણ વિલંબ કર્યા વિના રાષ્ટ્રપતિને મોકલી આપશે, જેથી તેમનું રાજીનામું સ્વીકારી શકાય. અગાઉ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી તે ઢાકા છોડીને ભારત ચાલી ગઈ.

આંદોલન પર ચીફ જસ્ટિસે કરી હતી કડક ટિપ્પણી

બાંગ્લાદેશમાં હાઈકોર્ટે જોબ ક્વોટા સિસ્ટમને પુનઃસ્થાપિત કર્યા પછી વિરોધ શરૂ થયો, વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો. હાઈકોર્ટના નિર્ણય પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને ટિપ્પણી કરી હતી કે રસ્તાઓ પર આટલી બધી હિલચાલ કેમ શરૂ થઈ ગઈ છે? શું તમે આંદોલન દ્વારા દબાણ બનાવીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો બદલશો?

ન્યાયાધીશોની બેઠક બોલાવવી પડી મોંઘી?

ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને સુપ્રીમ કોર્ટના બંને વિભાગના તમામ ન્યાયાધીશો સાથે ફુલ કોર્ટની બેઠક બોલાવી હતી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ તેને ન્યાયતંત્રનું તખ્તાપલટ ગણાવીને સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓના વિરોધને પગલે તેમને બેઠક સ્થગિત કરી દીધી અને બાદમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓબેદુલ હસને વચગાળાની સરકારની આ બેઠક પરવાનગી વગર બોલાવી હતી.

શેખ હસીના બન્યા છે કારણ?

ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન શેખ હસીનાના વફાદાર માનવામાં આવે છે. શેખ હસીનાની સરકારે 12 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની નજીક હોવાના કારણે ઓબેદુલ હસને ચીફ જસ્ટિસના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રદર્શનકારીએ સુપ્રીમ કોર્ટનો કર્યો ઘેરાવ

સુપ્રીમ કોર્ટ પરિસરમાં સેંકડો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ એકઠા થયા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા બાંગ્લાદેશી સૈન્યના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની આજુબાજુના મુખ્ય બિલ્ડિંગ, એનેક્સી બિલ્ડિંગ અને અન્ય વિસ્તારોમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. તેમને પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું ટાળવાની અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે 84 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા.

Image - X


  • Follow us on: