- જે વિદ્યાર્થીઓએ તોડફોડ કરી તે આતંકવાદી - PM શેખ હસીના
- સમગ્ર બાંગ્લાદેશમાં કર્ફયૂ લાદવામાં આવ્યો, મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરાયું
- હિંસક વિરોધ પ્રદર્શનમાં 72 લોકોનાં મોત બાદ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઘણા વિસ્તારોમાં ફરીથી હિંસા ભભૂકી ઉઠી છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે દેશના જુદાજુદા વિસ્તારોમાં હજારો વિરોધ પ્રદર્શનકારીઓ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન રવિવારે બપોરના સમયે પ્રદર્શનકારીઓ સત્તામાં રહેલી પાર્ટીના ટેકેદારો વચ્ચે હિંસક ઝપાઝપી સર્જાઈ હતી. જેથી 72થી વધુ લોકોનાં મોત થયા હતા. જ્યારે 30 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ થાળે ન પડતા તંત્રએ કર્ફયૂ લાદીને ફરી એકવાર મોબાઈલ ઈન્ટરનેટ સેવા હાલ પૂરતી બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. વિરોધ બાદ ફાટી નીકળેલી હિંસાને જોતા પીએમ શેખ હસીનાએ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની તાબડતોબ બેઠક બોલાવી હતી.
પીએમ શેખ હસીનાએ અધિકારીઓ સાથે બેઠક યોજી
ઉલ્લેખનીય છે કે, હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ શેખ હસીનાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં સૈન્ય, નેવી, વાયુ સેના, પોલીસ, રેપિડ એક્શન ફોર્સ સહિતના સુરક્ષા અધિકારીઓ સામેલ થયા હતા. બેઠકમાં વડાપ્રધાનના સુરક્ષા સલાહકાર અને ગૃહમંત્રી પણ હાજર રહ્યા હતા.
આ અથડામણમાં 72થી વધુ લોકોનાં મોત થયા
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશ હિંસામાં અત્યાર સુધી કુલ 72થી વધુ લોકોનાં મોત થઈ ચુકયા છે. આ સિવાય સૌથી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસક અથડામણ પછી, સમગ્ર દેશમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ PM શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હિંસા રોકવા માટે પોલીસે ટીયર ગૅસના શેલ છોડવાની નોબત આવી હતી.
જે વિદ્યાર્થીઓએ તોડફોડ કરી તે આતંકવાદી - PM શેખ હસીના
દરમિયાન, વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે, વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે જેઓ દેશભરમાં વિરોધ પ્રદર્શનના નામે તોડફોડ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે. આવા તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવાની જરૂર છે. વિરોધ પ્રદર્શન કરવા નીકળેલા વિદ્યાર્થીઓ વડાપ્રધાન હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
તાજેતરની હિંસામાં 200 લોકોએ જીવ ગુમાવ્યો હતો
આની પેલા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝપાઝપીમાં 200થી વધુ લોકોનાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનકારીઓ દેશમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા હતા. જેના હેઠળ વર્ષ-1971માં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામના યોદ્ધાઓના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત અપાયું હતું.