- નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે લઘુમતી સમુદાય પર હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી
- યુવાનોને લઘુમતીઓના રક્ષણ કરવાની અને દેશને બેઠો કરવા આહવાન કર્યું હતું
- ઢાકામાં દેખાવોને જોતા સુપ્રીમ કોર્ટના પાંચ જજના રાજીનામા પડયા
પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં અરાજકતા, હિંસા અને ઉપદ્રવ વચ્ચે પૂર્વ પીએમ શેખ હસીનાએ ગત સોમવારે બપોર બાદ પીએમ પદથી રાજીનામું આપી ફરાર થઈ ગયા હતા. હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બની ગઈ છે અને તેના નેતા નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્દ યુનુસ બન્યા છે. શનિવારે હિંસા પ્રભાવિત દેશમાં લઘુમતી સમુદાયો પર હુમલાની ઘટનાને મોહમ્મદ યુનુસે વખોડી કાઢીને આને જઘન્ય ગુનો ગણાવ્યો હતો. આ સિવાય તેમને યુવાનોને તમામ હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારને હિંસા વિરોધી પ્રદર્શનથી નુકસાનથી બચાવવાનો આગ્રહ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં પાંચમી ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની ધરાવચી સરકારના પતન પછી બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના 52 જિલ્લામાં હુમલામાં 205 ઘટનાઓ થઈ હતી. હિંસાથી બચવા હજારો બાંગ્લાદેશી હિંદુ પાડોશી દેશ ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોહમ્મદ યુનુસે યુવાનોને કરી અપીલ
મળતી માહિતી અનુસાર, વિરોધ પ્રદર્શનમાં સૌથી આગળ રહેનારા વિદ્યાર્થીઓને નોબલ પુરસ્કાર વિજેતા યુનુસે આગ્રહ કર્યો હતો કે તેઓ પોતાની પ્રગતિને નબળી કરવાનો પ્રયાસ કરનારા પોતાના પ્રયાસો બરબાદ ન થવા દે. રંગપુર શહેરમાં આવેલી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, તમારા પ્રયાસોને વ્યર્થ કરવા માટે ઘણા લોકો ઊભા છે. પરંતુ આ વખતે તેઓને અસફળ ન થાય.
યુનુસે દેશમાં લઘુમતીઓ સમુદાયો પર હુમલાઓની ઘટનાને સ્પષ્ટ રીતે વખોડી કાઢી છે. અને આવા કૃત્યોને જઘન્ય જણાવ્યા હતા. યુનુસે કહ્યું કે શું તેઓ આ દેશના લોકો નથી. તમે દેશને બચાવવામાં સક્ષમ છો. શું તમે થોડા પરિવારોને નથી બચાવી શકતા. ? તમારે કહેવું જોઈએ કે કોઈ તેઓને નુકસાન નહીં પહોંચાડી શકતા. તેઓ મારા ભાઈ છે. અમે એકસાથે લડીશું અને અમે એક સાથે રહીશું.
બાંગ્લાદેશ તમારા હાથમાં છે
યુવા નેતૃત્વના મહત્ત્વ પર ભાર મૂકતા યુનુસે જણાવ્યું કે આ બાંગ્લાદેશ હવે તમારા હાથોમાં છે. તમારે આને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જવાની શક્તિ રાખો છો. આ શોધનો વિષય નથી. આ તમારી અંદર શક્તિ છે.
હિંદુઓની સુરક્ષા નિશ્ચિત કરવી
મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ સહિત હજારો હિંદુ આંદોલનકારીઓએ દેશના જુદાજુદા વિસ્તારોમાંથી પોતાના ઘર, દુકાનો અને મંદિરો પર હુમલાના વિરોધમાં શનિવારે સતત બીજા દિવસે ઢાકાના શાહબાગના ચાર રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. હજારોની સંખ્યામાં હિંદુઓએ વિરોધ બાદ સૂત્રોચ્ચાર કરી સરકાર પાસે સુરક્ષાની માંગણી કરી હતી.
બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના પાંચ જજના રાજીનામા
બીજી એક મોટી ઘટનામાં બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન અને બીજા પાંચ ટોચના ન્યાયાધીશોએ શનિવારે સાંજે પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે. જે હસીના સરકારના પતનના પાંચમા દિવસ પછી માર્ગો પર મોટાપાયે દેખાવો અને ન્યાયપાલિકામાં સુધારની માંગને લઈ વડી અદાલતની તરફ મોરચો માંડયો હતો.
ઢાકા યુનિવર્સિટીના ચાંસેલર પ્રોફેસર ડૉ.મકબુલ કમાર અને બાંગ્લા અકાદમીના ડાયરેક્ટર ડૉ.એમડી હારુન-ઉર-રશીદ સહિત ઘણા ટોચના અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને બીજા દેખાવોના વિરોધને જોતા પોતાના પદથી રાજીનામા આપી દીધા છે.
