• બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા બાદ 91 લોકોના મોત થયા છે
  • ભારતે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકોને સંપર્કમાં રહેવા અને સતર્ક રહેવા જણાવ્યું છે
  • વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની અને તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરનારા સત્તાધારી અવામી લીગના સમર્થકો વચ્ચે રવિવારે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 91 લોકો માર્યા ગયા અને 30 અન્ય ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

ભારતે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

ભારતે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકોને સંપર્કમાં રહેવા અને સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઈન નંબર +88-01313076402 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

બંને પક્ષો વચ્ચે અથડામણ

વિરોધીઓ સરકારના રાજીનામાની માગણી સાથે 'અસહકાર કાર્યક્રમ'માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છાત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.

રિપોર્ટ મુજબ વિરોધ કરનારા અને અવામી લીગ સમર્થકો વચ્ચે મુંશીગંજમાં થયેલી અથડામણમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા. પરંતુ મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

પીએમ શેખ હસીનાના રાજીનામાની કરી રહ્યા છે માંગ

મીડિયા રિપોર્ટ મુજબ વિરોધીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી અને અનામત સુધારાને લઈને તાજેતરના વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધીઓ અસહકાર કાર્યક્રમના પહેલા દિવસે રાજધાનીમાં સાયન્સ લેબ ચોકડી પર પણ એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

'જે લોકોએ તોડફોડ કરી તે વિદ્યાર્થીઓ નહીં પરંતુ આતંકવાદી છે': શેખ હસીના

બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે, પીએમ શેખ હસીનાએ કહ્યું હતું કે વિરોધના નામે તોડફોડ કરનારાઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે અને આવા તત્વો સાથે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. વડાપ્રધાને કહ્યું કે હું દેશવાસીઓને અપીલ કરી હતી કે આ આતંકવાદીઓને સખત રીતે દબાવી દો.

આ બેઠકમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, રેપિડ એક્શન બટાલિયન (આરએબી), બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) અને અન્ય ટોપના સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી. આ સિવાય વડાપ્રધાનના સુરક્ષા સલાહકાર અને ગૃહમંત્રી પણ આ બેઠકમાં હાજર હતા.

200થી વધુ લોકોના મોત બાદ ફાટી નીકળી હિંસા

પોલીસ અને વિદ્યાર્થી વિરોધીઓ વચ્ચેની હિંસક અથડામણમાં 200 થી વધુ લોકો માર્યા ગયાના દિવસો પછી ફરીથી હિંસા થઈ છે. વિરોધીઓ વિવાદાસ્પદ ક્વોટા પ્રણાલીનો અંત લાવવાની માંગ કરી રહ્યા છે, જેના હેઠળ 1971માં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામના યોદ્ધાઓના સંબંધીઓને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત આપવામાં આવી હતી.