- ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વણસી
- હિંસા વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી
- આંદોલનકારીઓએ બપોરે 3 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વણસી રહી છે. દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે દેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને પણ મુક્ત કરવામાં આવી છે. મંગળવારે બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે 3 વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડ્યા પછી સર્જાયેલી અરાજકતા વચ્ચે દેશભરમાં હિંસાની ઘટનાઓમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા સમાચાર અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે. ભારત બાંગ્લાદેશમાં લઘુમતીઓ અંગેની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તેના રાજદ્વારી મિશન દ્વારા ત્યાંના ભારતીય સમુદાય સાથે "નજીક અને સતત" સંપર્કમાં છે. રાજ્યસભામાં એક નિવેદનમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની “અત્યંત ટૂંકી સૂચના” પર “હાલ માટે” ભારતની મુલાકાત લેવાની વિનંતી વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પડોશી દેશમાં આ જટિલ અને હજુ પણ અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે તેના સીમા સુરક્ષા દળોને અત્યંત સતર્ક રહેવા સૂચના આપી છે.
