- બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટનો પ્રદર્શનકારીઓએ ઘેરાવ કરી જજ, ચીફ જસ્ટિસના રાજીનામા માગ્યા
- ચીફ જસ્ટિસ સાંજે રાષ્ટ્રપતિ સાથે પરામર્શ કરી રાજીનામું સોંપશે
- અગાઉ શેખ હસીના વિરોધ પ્રદર્શન જોતા રાજીનામું આપી ભારત પલાયન થયા હતા
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર ડખો થયો છે. શનિવારે સવારે ફરીથી મોટાપ્રમાણમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. વિરોધ પ્રદર્શનકારીઓએ હવે ઢાકામાં આવેલી બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો અને ચીફ જસ્ટિસ સહિત તમામ જજને એક કલાકની અંદર રાજીનામું આપવા કહેવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનને જોતા ચીફ જસ્ટિસ ઓેબેદુલ હસને ન્યાયપાલિકાના પ્રમુખ પદથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ સાંજે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાથે પરામર્સ કર્યા પછી પોતાનું રાજીનામું સોંપશે.
ઢાકામાં ઉગ્ર પ્રદર્શનનો પ્રારંભ
ઢાકામાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી કે, જો જજ અને ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન રાજીનામું નહિ આપે તો તેઓના આવાસો પર ઘેરાવ કરવામાં આવશે. તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલા જોરદાર વિરોધ પ્રદર્શનો પછી શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા મજબૂર થવું પડયું હતું. શનિવારે સેંકડો પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટનો ઘેરો ઘાલ્યો હતો. આમાં મોટાભાગના પ્રદર્શનકારીઓ વિદ્યાર્થીઓ છે અને ચીફ જસ્ટિસને તાત્કાલિક અસરથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓ આ વાતથી ભડક્યા
એવી ખબર આવી હતી કે ચીફ જસ્ટિસે ફુલ કોર્ટ બેઠક બોલાવી છે, જેમાં વિરોધ પ્રદર્શનકારીઓ ચિડાઈ ઉઠયા હતા. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટની તરફ વધવા લાગ્યા. ત્યારબાદ એક વિરોધ પ્રદર્શનકારીએ દાવો કર્યો કે મુખ્ય ન્યાયાધિશે વચગાળાની સરકારને ગેરકાયદે જાહેર કરવાનું કાવતરું રચી રહ્યા છે.