- બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ પ્રદર્શને સોમવારે એક નિર્ણાયક વળાંક લીધો
- નોબલ એવોર્ડ વિજેતા મોહમ્મદ યુનુસને દેશની કમાન સોંપવાની થઈ રહેલી તૈયારીઓ
- શેખ હસીના રાજીનામું આપી દેશ સળગતો છોડી પલાયન થયાં
બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ ઉઠેલા વિરોધ પ્રદર્શને આજે સોમવારે એક નિર્ણાયક વળાંક લઈ લીધો છે. હજારોની જનમેદનીમાં પ્રદર્શનકારીઓ પીએમ આવાસમાં ઘુસી ગયા અને ભારે વિનાશ વેર્યો. સ્થિતિ બેકાબૂ થતા પીએમ શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો. દેશમાં સત્તા પરિવર્તન થઈ ગયું અને આ દરમિયાન એવી જાહેરાત થઈ કે વચગાળાની સરકાર બનાવવા તજવીજ હાથ ધરાઈ રહાઈ છે. આ દરમિયાન નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ દેશના નવા વડાપ્રધાન બની શકે છે.
તાબડતોબ વચગાળાની સરકારની જાહેરાત
પ્રદર્શનકારીઓના ઉગ્ર રૂપને જોતા વડાપ્રધાન શેખ હસીનાએ આજે બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. શેખ હસીનાના રાજીનામા બાદ દેશ બહાર જતા રહ્યા પછી બાંગ્લાદેશના સૈન્ય પ્રમુખ જનરલ વકાર-ઉજ-જમાએ ઢાકામાં જાહેરાત કરી કે હવે વચગાળાની સરકાર કાર્યભાર સંભાળશે.
શેખ હસીનાના વિદેશ જતા રહેવા પછી સૈન્ય પ્રમુખે રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે, હું દેશની તમામ જવાબદારી લઈ રહ્યો છું. કૃપા કરીને લોકો સહયોગ કરે. સૈન્ય પ્રમુખે આગળ જણાવ્યું કે વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત પહેલા જ તેઓને રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી અને તેઓને જણાવ્યું કે સૈન્ય કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.