પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં ઓગસ્ટ મહિનામાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોમાં આશરે 600 લોકોનાં મોત થયા હતા, જેમાં બાંગ્લાદેશી હિંદુ પણ સામેલ છે. ભારત શરૂઆતથી જ બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષાઓનો મુદ્દો ઉઠાવતો રહે છે. હવે સંયુક્ત રાષ્ટ્ર પણ હિંસામાં મોતને ભેટેલા લઘુમતીઓની તપાસ અને તેઓની સુરક્ષાનો આગ્રહ કર્યો છે.
યુએનના એક ટોચના માનવાધિકાર અધિકારીએ બુધવારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન પહેલાં અને પછી થયેલી હિંસક અથડામણો દરમિયાન થયેલી તમામ હત્યાઓ અને અન્ય અધિકારોના ઉલ્લંઘનની સંપૂર્ણ તપાસ કરવાની હાકલ કરી હતી. યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે તપાસની હાકલ કરતા કહ્યું કે, એક સમાવેશી અભિગમને આગળ વધારવા માટે તપાસ મહત્વપૂર્ણ છે, જ્યાં વર્ગ, લિંગ, જાતિ, રાજકીય વિચારધારા, ઓળખ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક અવાજ સાંભળવામાં આવે છે.
માનવાધિકાર હાઈ કમિશનર બાંગ્લાદેશની મુલાકાતે
યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે બુધવારે બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી. તેમની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે નૉબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશમાં વ્યવસ્થા સ્થાપિત કરવાના પડકારોનો સામનો કરી રહી છે.
યુનુસ સરકાર હિંસામાં થયેલી હત્યાઓની તપાસ કરવા માટે ઔપચારિક વિનંતી કરે તે પહેલા જ સંયુક્ત રાષ્ટ્રએ ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ બાંગ્લાદેશ મોકલી છે. આમાં શેખ હસીના શાસન વિરુદ્ધ વિરોધીઓની હત્યા તેમજ તેમના પતન પછી થયેલી હિંસાની તપાસનો સમાવેશ થાય છે.
હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શન
શેખ હસીનાની સરકાર બાદથી બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ વધી ગયા છે, જેની સામે ભારત સહિત અનેક માનવાધિકાર જૂથોએ અવાજ ઉઠાવ્યો છે. બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ તેમની સામેની હિંસા અને તેમની સુરક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તુર્કીએ દેશમાં લઘુમતી જૂથો પર હુમલાના આરોપોની સંપૂર્ણ તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.