- સરકારનો ધર્મ છે સૌનું રક્ષણ કરવાનો : મોહમ્મદ યુનુસ
- મોહમ્મદ યુનુસ વચગાળાના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે
- ઢાકા એરપોર્ટ પર નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે મીડિયા સાથે વાતચીત કરી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને ચાલી રહેલી હિંસા વચ્ચે નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ ગુરુવારે બપોરે પેરિસથી સીધા બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચ્યા હતા. શેખ હસીના સરકારના પતન પછી તેઓ ટૂંક સમયમાં વચગાળાની સરકારના પ્રમુખ રીતે શપથ લેશે. ઢાકા પહોંચ્યા પછી તેઓએ પ્રથમ નિવેદન આપ્યું છે. આમાં તેઓએ કહ્યું કે સરકાર લોકોની સુરક્ષા નક્કી કરશે. આખો બાંગ્લાદેશ એક પરિવાર છે. સરકારનો ધર્મ સૌની રક્ષા કરવાનો છે.
જાણીતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસને વર્ષ-2006માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને નાની-નાની લોન અને સારા કાર્યો બદલ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા સંસંદ ભગ કર્યા પછી 84 વર્ષીય યુનુસને વચગાળાના સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઢાકા એરપોર્ટ પર સૈન્ય પ્રમુખ સહિત આ લોકોએ સ્વાગત કર્યું
નોબલ વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ ઓલિમ્પિક રમતો માટે પેરિસ ગયા હતા. ત્યાંથી તેઓ દુબઈથી સીધા બાંગ્લાદેશ પરત આવ્યા છે. બપોરે 2.10 મિનિટે ઢાકા એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી સૈન્ય પ્રમુખ જનરલ વકાર-ઉઝ-જમાન, સિનિયર અધિકારીઓ, વિદ્યાર્થી નેતાઓ અને અન્ય લોકોએ એરપોર્ટ પર તેઓનું સ્વાગત કર્યું હતું.
યુનુસ એરપોર્ટ પર મીડિયાને મળ્યા હતા. શેખ હસીના વિરુદ્ધ આંદોલન કરનારા યુવાનો પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. યુનુસે કહ્યું કે, અમને બીજી વખત આઝાદી મળી છે. આપણે આ સ્વતંત્રતાનું રક્ષણ કરવું પડશે. દેશ હવે તમારા હાથમાં છે. તમારે તમારી અપેક્ષા અનુસાર તેને ફરીથી બનાવવું પડશે.