દુબઇથી તેલ અવીવ જઇ રહેલી ફ્લાઇટ હાઇજેક થવાનું પાયલટે ઇમરજન્સી સિગ્નલ અપાયું, સાઉદી અરબમાં પ્લેન લેન્ડ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ફ્લાઇટમાં 180 ઇઝરાયલી નાગરિકો સવાર હતા.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) એરલાઇનની એક ફ્લાઇટ અચાનક ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા બાદ ચર્ચામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉદી અરેબિયા ઉપરથી પસાર થતી વખતે વિમાને અચાનક પોતાનો રૂટ બદલ્યો હોય તેવું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ વિમાનના હાઇજેક થયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે સુરક્ષાના ભાગરૂપે ઇઝરાયેલી ફાઇટર જેટ્સને પણ તાત્કાલિક એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.
વિમાન સાઉદી અરબમાં લેન્ડ થયું
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ્સના ડેટા પર નજર કરીએ તો, આ વિમાન સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટની આસપાસના વિસ્તારમાં જોવા મળ્યું હતું અને ટૂંક સમયમાં જ ત્યાં સુરક્ષિત ઉતરાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇઝરાયેલી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, વાસ્તવમાં આ ફ્લાઇટમાં અંદર શું બન્યું અને ઇમરજન્સી સર્જાવાનું અસલી કારણ શું હતું, તેની ચોક્કસ અને સત્તાવાર વિગતો વિમાનના લેન્ડિંગ પછી જ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકશે.
અચાનક ફ્લાઇટનો રૂટ ડાયવર્ટ કરવાનું કારણ શું?
હાલની સ્થિતિમાં ઇમરજન્સી સિગ્નલ જનરેટ થવાનું અને અચાનક ફ્લાઇટનો રૂટ ડાયવર્ટ કરવાનું કોઈ નક્કર કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી. વિમાન સાઉદી અરેબિયામાં ઉતરાણ કર્યા બાદ એરલાઇન અને સંબંધિત ઓથોરિટી દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવશે તેવી અપેક્ષા છે, જેનાથી આ રહસ્યમય ઘટના પરથી પડદો ઉચકાશે.
આ પણ વાંચોઃ Antarctica : ઠંડી ઓછી પડશે કે શું? એન્ટાર્કટિકામાં બરફનું સ્તર તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યું