ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોમાં એક સકારાત્મક વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, તેવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક મહત્વનો નિર્ણય લઈને ચાર ભારતીય કંપનીઓ પરથી પ્રતિબંધો હટાવી લીધા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે આ તમામ કંપનીઓને 'સ્પેશિયલી ડેઝિગ્નેટેડ નેશનલ્સ' (SDN) ની યાદીમાંથી બહાર કરી છે, જેનાથી આ કંપનીઓ માટે વૈશ્વિક વેપારના દ્વાર ફરી ખુલ્યા છે.

યુએસ એ ભારતની 4 કંપની પરથી બેન હટાવ્યો

યુએસ ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા લેવામાં આવેલા આ પગલાથી જે કંપનીઓને રાહત મળી છે, તેમાં હૈદરાબાદ સ્થિત 'RRG એન્જિનિયરિંગ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ' અને 'લોકેશ મશીન્સ લિમિટેડ', અમદાવાદની 'ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ' તથા દિલ્હી સ્થિત 'શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ'નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, SDN યાદીમાં સામેલ થવાથી કંપનીઓની અમેરિકન અધિકારક્ષેત્ર હેઠળની તમામ અસ્કયામતો એટલે કે તમામ એસેસ્ટ ફ્રીઝ થઈ જાય છે અને તેમની સાથે વ્યવહાર કરવો અત્યંત મુશ્કેલ બને છે.

કંપનીની ચકાસણી બાદ પ્રતિબંધો માંથી આપી મુક્તિ

આ બેનનો ઇતિહાસ વર્ષ 2024 સાથે જોડાયેલો છે. તે સમયે રશિયન સરકારને મદદ કરવાનો આરોપ મૂકીને OFAC એ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ કુલ 21 ભારતીય સંસ્થાઓ જેમાં 19 કંપનીઓ અને બે વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષના માહોલમાં, અમેરિકાએ રશિયન અર્થતંત્ર સાથે જોડાયેલી સંસ્થાઓ પર કડક નિયંત્રણો લાદવાની નીતિ અપનાવી હતી. જોકે, છેલ્લા બે વર્ષમાં આ કંપનીઓ અને અમેરિકન અધિકારીઓ વચ્ચેની ચકાસણી અને વાટાઘાટો બાદ હવે તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ટ્રમ્પનું આ પગલું વેપાર ક્ષેત્રો દર્શાવે છે મજબૂતી
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ પગલું ભારત સાથેના દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવાની રણનીતિનો ભાગ માનવામાં આવે છે. ટેરિફ વિવાદો અને વૈશ્વિક રાજકીય ગતિવિધિઓ વચ્ચે, અમેરિકા હવે ભારતીય ઉદ્યોગો સાથેના સંબંધો સુધારવા તરફ ધ્યાન આપી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ નિર્ણય બંને દેશો વચ્ચેના આગામી મોટા વેપાર સોદા માટેની ભૂમિકા તૈયાર કરી રહ્યો છે. પ્રતિબંધો હટવાથી આ કંપનીઓમાં ફરીથી આર્થિક પ્રવૃત્તિઓ વેગવંતી બનશે અને તે ભારતીય નિકાસકારો તથા ઉદ્યોગજગત માટે એક મોટો ઉત્સાહવર્ધક સંકેત છે. ભવિષ્યમાં બાકીની કંપનીઓ અંગે પણ અમેરિકા કેવો અભિગમ અપનાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.