વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન ગુરુવારે તેમણે મેલબર્નમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ ભવ્ય કાર્યક્રમમાં આશરે 30 હજાર ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ પણ હાજર રહ્યા. સમગ્ર સ્ટેડિયમ "મોદી-મોદી"ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

https://twitter.com/narendramodi/status/2075156150241366329

મારા મિત્ર મોદીનું ઓસ્ટ્રેલિયામાં સ્વાગત: ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન

મેલબર્નમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને ઓસ્ટ્રેલિયાના સાચા મિત્ર ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી બે મોટી લોકશાહીઓ વચ્ચેની મિત્રતાની આ ઉજવણી છે. અલ્બનીઝે કહ્યું કે, "મારા મિત્ર મોદીનું ઓસ્ટ્રેલિયામાં સ્વાગત છે. તેઓ અમારા દેશના સારા મિત્ર છે."

મેલબોર્ને આજે ખરેખર મેદાન મારી લીધું: વડાપ્રધાન મોદી

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, "મારા મિત્ર વડાપ્રધાન અલ્બનીઝનો હું આભારી છું. મેલબર્ને મારું અદ્ભુત સ્વાગત કર્યું છે. મને અહીંના લોકો સાથે મળવાની આતુરતા હતી. મેલબોર્ને આજે ખરેખર મેદાન મારી લીધું છે. હું ત્રીજી વખત ઓસ્ટ્રેલિયા આવ્યો છું અને આ શો હાઉસફુલ છે."

બંને દેશો વચ્ચેની મિત્રતા સતત નવી ઊંચાઈઓ સર કરી

વડાપ્રધાન મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત સંબંધોની પ્રશંસા કરતાં જણાવ્યું કે બંને દેશો વચ્ચેની મિત્રતા સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન અલ્બનીઝે પણ જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મિત્રતાનો નવો યુગ શરૂ થયો છે. તેમણે અમદાવાદમાં મળેલા સન્માનને યાદ કરતાં કહ્યું કે ભારત દરેક મુશ્કેલ સમયમાં મિત્ર દેશોની સાથે મજબૂતીથી ઊભું રહે છે.

CECAને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ભાર 

આ પહેલાં વડાપ્રધાન મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કા હેઠળ બુધવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ત્યાં તેમણે વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે રક્ષા, ઊર્જા અને વેપાર ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક આર્થિક સહયોગ કરાર (CECA)ને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ભાર મૂક્યો. તેમણે મેલબર્નમાં યોજાયેલા ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું કે આ કરારથી બંને દેશોના આર્થિક સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

આ પણ વાંચો : New Zealand: મોદીના આગમન પહેલા જ PM ક્રિસ્ટોફર લક્સને કરી મોટી જાહેરાત, ટેરિફમાંથી આપશે મુક્તિ