મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. અમેરિકી સેનાએ મંગળવાર, 1 સપ્ટેમ્બરે ઈરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના કેટલાક ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો અને મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકી સૈનિકો સામે IRGC દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસોના જવાબમાં કરવામાં આવી છે.
વેપારી જહાજોની સુરક્ષાને લઈને સ્થિતિ ગંભીર બની
અમેરિકી સેનાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની સુરક્ષાને લઈને સ્થિતિ ગંભીર બની રહી છે. તાજેતરમાં બે ઓઈલ સુપરટેન્કર પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો થયો હતો. બંને જહાજો સાઉદી અરેબિયાનું ક્રૂડ ઓઈલ લઈ જઈ રહ્યા હતા અને હુમલો ઓમાન નજીક હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળતી વખતે થયો હતો. CENTCOMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે અમેરિકી દળોએ ઈરાનમાં IRGCના ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકાના જણાવ્યા પ્રમાણે, કાર્યવાહીનો હેતુ અમેરિકી સૈનિકો અને આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો સામેના ખતરાને અટકાવવાનો છે.
એક મહિના બાદ ફરી શરૂ થઈ સૈન્ય કાર્યવાહી
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે લગભગ એક મહિના સુધી સૈન્ય કાર્યવાહીનો વિરામ જોવા મળ્યો હતો. હવે ફરી હુમલા શરૂ થતાં મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની આશંકા વધી છે. અમેરિકી હુમલામાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાનના લારાક આઈલેન્ડ પર રોકેટ લોન્ચર્સને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
વૈશ્વિક તેલ સપ્લાય પર અસરનો ભય
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ શિપિંગ રૂટમાંથી એક છે. અહીં સૈન્ય તણાવ વધવાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા સપ્લાય પર અસર થવાની ચિંતા વધી છે. તાજેતરમાં બે ઓઈલ ટેન્કર પર હુમલાના અહેવાલ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો આ તણાવ હવે માત્ર બંને દેશો પૂરતો સીમિત ન રહેતા સમગ્ર મિડલ ઈસ્ટ અને વૈશ્વિક ઊર્જા બજાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આગામી દિવસોમાં બંને દેશોની પ્રતિક્રિયા પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
આ પણ વાંચો : Tim Cookના સ્થાને John Ternusએ સંભાળી Appleના CEOની કમાન, જાણો હવે શું બદલાશે?
આ પણ વાંચો : Tim Cookના સ્થાને John Ternusએ સંભાળી Appleના CEOની કમાન, જાણો હવે શું બદલાશે?
