પાકિસ્તાનના કરાચી શહેરમાં આત્મઘાતી હુમલાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારના બ્લોક-6માં સ્થિત પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય નજીક જોરદાર વિસ્ફોટ થયો, જેના બાદ લાંબા સમય સુધી ગોળીબારી શરૂ થઈ. આ હુમલામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં સામાન્ય નાગરિકો છે કે રેન્જર્સના જવાનો, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.


બે નાના વિસ્ફોટ પણ થયા

પ્રાથમિક અહેવાલો મુજબ એક આત્મઘાતી હુમલાખોરે રેન્જર્સ કોમ્પાઉન્ડને નિશાન બનાવી વિસ્ફોટ કર્યો હતો, જ્યારે તેના અન્ય સાથીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં ભારે અથડામણ સર્જાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલો વિસ્ફોટ અત્યંત શક્તિશાળી હતો, ત્યારબાદ બે નાના વિસ્ફોટ પણ થયા હતા. લગભગ અડધા કલાક સુધી બંને પક્ષો વચ્ચે ગોળીબાર ચાલ્યો હોવાનું જણાવાય છે.

સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત

હુમલો તે માર્ગ પર થયો હતો જે કરાચી યુનિવર્સિટી સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓને જોડે છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાન રેન્જર્સ એક અર્ધસૈનિક દળ છે, જે આંતરિક સુરક્ષા, સરહદી રક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઘટના બાદ કરાચીમાં સુરક્ષા સ્થિતિને લઈને ચિંતા વધી છે અને તપાસ એજન્સીઓ હુમલાખોરોની ઓળખ અને નેટવર્ક શોધવામાં લાગી છે.


  • Follow us on: