વેનેઝુએલામાં ભૂકંપના બે પ્રચંડ અને ઉપરાઉપરી ઝાટકાઓએ ભારે તબાહી મચાવી દીધી છે. રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપના કારણે અનેક ગગનચુંબી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે અસંખ્ય મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ વિનાશક ભૂકંપનું કેન્દ્રબિંદુ મોટાલ્બનથી 25 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની સૌથી વધુ અસર રાજધાની કારાકાસમાં જોવા મળી છે, જ્યાં સેંકડો લોકો કાટમાળ નીચે દબાયા હોવાથી મોટી જાનહાનિ થવાની આશંકા સેવાઈ રહી છે. આ ભૂકંપને છેલ્લા 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.
22 માળની વિશાળ ઇમારત ધરાશાયી
સ્થાનિક સમય અનુસાર સાંજે 6.04 વાગ્યે આવેલા આ ભૂકંપના પગલે કારાકાસના અલ્તામીરા વિસ્તારમાં આવેલી એક 22 માળની વિશાળ ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોઝ વેનેઝુએલાની ભયાનક સ્થિતિ દર્શાવી રહ્યા છે.
જાનમાલનું મોટું નુકસાન થયું
યુએસજીએસ ના જણાવ્યા અનુસાર, બીજા મોટા ઝાટકા બાદ જાનમાલનું મોટું નુકસાન થયું છે. શરૂઆતમાં પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ જેવા વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જાહેર કરાયું હતું, પરંતુ બાદમાં અમેરિકાના સુનામી વોર્નિંગ સેન્ટરે સુનામીનો કોઈ ખતરો ન હોવાનું જણાવી ચેતવણી પાછી ખેંચી લીધી છે.
https://twitter.com/Tablesalt13/status/2069944575775441263
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
હાલમાં કારાકાસના ચાકાઓ વિસ્તારમાં 500થી વધુ ઈમરજન્સી કર્મચારીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યા છે. મેયર ગુસ્તાવો ડ્યુકે જણાવ્યું કે અત્યાર સુધીમાં 18 લોકોને જીવતા બહાર કઢાયા છે.
ઇમારતો નબળી પડી
બીજી તરફ, વેનેઝુએલાના ગૃહમંત્રી ડિયોસદાદો કેબેલોએ સરકારી ચેનલ VTV દ્વારા લોકોને અપીલ કરી છે કે, મુખ્ય ભૂકંપના કારણે ઇમારતો નબળી પડી ગઈ હોવાથી આફ્ટરશોક્સના ડરથી કોઈએ ઘરની અંદર ન રહેવું અને શાંતિ જાળવી રસ્તા પર ખુલ્લામાં રહેવું.
