• યુકે હોમ ઓફિસનો સપ્ટે. 2023 સુધીના એક વર્ષનો ONS ડેટા

  • સ્કિલ્ડ વર્કર હેલ્થ એન્ડ કેર વિઝા 135 ટકા વધીને 1,43,990 થયા
  • સ્કિલ્ડ વર્કર વિઝામાં પાછલા વર્ષમાં માત્ર સામાન્ય વધારો

છેલ્લા એક વર્ષ દરમિયાન બ્રિટનના વિઝા મેળવનારાઓમાં ભારતીય સ્કિલ્ડ વર્કર્સ, મેડિકલ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સે પ્રભુત્વ જાળવી રાખ્યું હોવાનું ગુરુવારે અત્રે રજૂ કરાયેલા ઇમિગ્રેશનના સત્તાવાર આંકડાથી જાણવા મળ્યું છે. યુકે હોમ ઓફ્સિનો સપ્ટેમ્બર, 2023માં પૂરા થયેલા વર્ષ માટેનો ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)નો ડેટા દર્શાવે છે કે ભારતીય નાગરિકો માત્ર સ્કિલ્ડ વર્કર વિઝા રૂટ જ નહીં પરંતુ હેલ્થ એન્ડ કેર વિઝા રૂટમાં પણ ટોચ પર રહ્યા છે. સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં ભારતીય સ્ટુડન્ટ્સ પ્રમાણમાં નવા પોસ્ટ-સ્ટડી ગ્રેજ્યુએટ વિઝા રૂટ પર કુલ વિઝાના 43 ટકા વિઝા મેળવીને મોખરે રહ્યા હતા. સ્કિલ્ડ વર્કર વિઝામાં પાછલા વર્ષમાં માત્ર સામાન્ય વધારો (+9 ટકા) જોવા મળ્યો છે તો સ્કિલ્ડ વર્કર હેલ્થ એન્ડ કેર વિઝા બમણા કરતાં વધુ (+135 ટકા) વધીને 1,43,990 થયા છે. આ વિઝામાં પાછલા વર્ષની સરખામણીમાં ભારતીય (38,866), નાઇજિરિયન (26,715), અને ઝિમ્બાબ્વે (21,130)ના નાગરિકોમાં સર્વાધિક વૃદ્ધિ જોવા મળી હતી. હેલ્થ એન્ડ કેર વિઝામાં ભારતીય અરજદારોમાં 76 ટકા વૃદ્ધિ જોવા મળી જ્યારે સ્કિલ્ડ વર્કર રૂટમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્કિલ્ડ વર્કર રૂટમાં સપ્ટેમ્બર, 2022 સુધીના એક વર્ષમાં 20,360 ભારતીયોને વિઝા મળ્યા હતા જ્યારે સપ્ટેમ્બર, 2023 સુધીના એક વર્ષમાં આ આંકડો ઘટીને 18,107 રહ્યો હતો.

ઇમિગ્રેશનમાં EU બહારના દેશોમાં ભારત મોખરે

ONS સેન્ટર ફોર ઇન્ટરનેશનલ માઇગ્રેશનના જેય લિન્ડોપે જણાવ્યું કે બ્રિટનમાં ઇમિગ્રેશન ફ્લોમાં યુરોપિયન યુનિયન (EU)ની બહારના ટોપ ફાઇવ દેશોમાં ભારતીયો (2,53,000), નાઇજિરિયન (1,41,000), ચાઇનીઝ (89,000), પાકિસ્તાની (55,000) અને યૂક્રેનિયન્સ (35,000)નો સમાવેશ થાય છે. તાજેતરના આંકડા 12 મહિના અગાઉની સરખામણીમાં વધારે છે પરંતુ ડિસેમ્બર, 2022માં પૂરા થતા વર્ષ માટેના અમારા અપડેટેડ આંકડાની સરખામણીમાં થોડો ઘટાડો દર્શાવે છે. આ નવા ડાઉનવર્ડ ટ્રેન્ડની શરૂઆત છે કે કેમ તે અંગે હાલના તબક્કે કંઇ કહેવું ખૂબ વહેલું ગણાશે.


  • Follow us on: