ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધવિરામ સાથે જોડાયેલા સમાચાર ખોટા છે, આ અમેરિકા-ફ્રાંસનો પ્રસ્તાવ હતો જેના પર વડાપ્રધાને કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.


ઈઝરાયલની સેના લેબનોનમાં જમીની હુમલો કરી શકે

ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે, પીએમ નેતન્યાહુએ ઈઝરાયલની સેનાને સંપૂર્ણ તાકાત સાથે આગળ વધવા માટે કહ્યું છે અને IDFને તેમની સમક્ષ જે યોજના રજૂ કરવામાં આવી હતી તે મુજબ કામ કરવા માટે પણ સૂચના આપી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઈઝરાયલની સેના ટૂંક સમયમાં લેબનોનમાં જમીની હુમલો કરી શકે છે.

અમેરિકા-ફ્રાંસે યુદ્ધવિરામનો પ્રસ્તાવ આપ્યો હતો

અમેરિકા અને ફ્રાન્સે બુધવારે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધને રોકવા માટે તાત્કાલિક 21 દિવસના યુદ્ધવિરામની અપીલ કરી હતી. ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉદી અરેબિયા, UAE, કતાર સહિત ઘણા યુરોપિયન દેશોએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. પરંતુ ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે, તે હિઝબુલ્લાહ વિરુદ્ધ હુમલા ચાલુ રાખશે. આ પ્રસ્તાવને લઈને હિઝબુલ્લાહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

ઈઝરાયલના હુમલામાં 600થી વધુ લોકોના મોત

બીજી તરફ બુધવારે ઈઝરાયેલના હુમલામાં લેબનોનમાં 72 લોકોના મોત થયા છે. 23 સપ્ટેમ્બરથી ચાલી રહેલા ભારે બોમ્બમારાથી અત્યાર સુધીમાં 620થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે હિઝબુલ્લાએ ઉત્તર ઈઝરાયેલના હાઈફામાં ઈઝરાયલના સૈન્ય મથકોને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. જો કે, ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના દાવાને સમર્થન આપ્યું નથી, અગાઉ IDFએ કહ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા 45 રોકેટ છોડવામાં આવ્યા હતા.

ગ્રાઉન્ડ એટેકના ભયથી એલર્ટ

લેબનોનમાં ઈઝરાયલની સેનાના ગ્રાઉન્ડ એટેકના ભયને કારણે દુનિયાભરના દેશો એલર્ટ થઈ ગયા છે. ભારતે પહેલાથી જ તેના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવા અને તાત્કાલિક પરત ફરવા કહ્યું છે. આ ઉપરાંત ચીને પણ તેના નાગરિકો માટે માર્ગદર્શિકા જારી કરી છે અને તેમને લેબનોનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. બીજી તરફ તુર્કી લેબનોનથી પોતાના નાગરિકોને પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે, લેબનોનમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

  • Follow us on: