- નેપાળના બાગમતીમાં પેસેન્જર બસ નદીમાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ
- સ્ટેરિંગ પરથી ડ્રાયવરે કાબૂ ગુમાવતા પ્રવાસીઓથી ભરેલી બસ નદીમાં પડી
- સ્થાનિકો અને પોલીસે બચાવ કામગીરી કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા
નેપાળના બાગમતી પ્રાંતમાં બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ નદીમાં પડતાં એક મહિલા સહિત ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયાં હતાં. નેપાળથી મળતી માહિતી અનુસાર ઘાટબેસી વિસ્તારમાં કાઠમંડુ જઈ રહેલી પેસેન્જર બસ પર ડ્રાઈવર કાબૂ ન રાખી શક્યો અને તે ત્રિશૂલી નદીમાં પડી ગઈ હતી. ધાડિંગ જિલ્લા પોલીસ કચેરીના પોલીસ અધિક્ષક (એસપી) ગૌતમ કેસીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા હતા.
તેમણે કહ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 30 મુસાફરો ઘાયલ થયા છે. નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી સાથે સ્થાનિક લોકોએ આ લોકોને બચાવ્યા હતા. "ઈજાગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા હતા અને સ્થાનિક આરોગ્ય સુવિધામાં પ્રાથમિક સારવાર બાદ, તેમને વધુ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા," ગૌતમ કેસીએ જણાવ્યું હતું, મળતી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી થઈ શકી.













