કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ સભા મંદિર પર ખાલિસ્તાની હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ મંદિર અને સમુદાય સાથે એકતા દર્શાવવા ગઈકાલે સાંજે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર એક વિશાળ ભીડ એકઠી થઈ હતી. એકતા રેલીના આયોજકોએ કેનેડિયન નેતાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ પર ખાલિસ્તાનીઓને વધુ સમર્થન આપવાનું બંધ કરવા દબાણ કર્યું. સાથે જ ટોળાએ જોર જોરથી જય મહાદેવ, જય મહાદેવના નારા લગાવ્યા હતા. મંદિર પર હુમલાને લઈને લોકોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
આ ચિંતાજનક બાબત- એસ. જયશંકર
કેનેડામાં હિંદુ મંદિર પર થયેલા હુમલાને લઇને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું કે કેનેડામાં હિંદુ મંદિરમાં ગઈ કાલે જે થયું તે ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે અમારા સત્તાવાર પ્રવક્તાનું નિવેદન અને ગઈકાલે અમારા વડા પ્રધાને જે ચિંતા વ્યક્ત કરી હતી તે તમે જોઇ હશે. તેનાથી તમને ખબર પડી જશે કે અમે આ ઘટાનાને લઇને કેવી ઊંડી ભાવના દાખવી રહ્યા છીએ.
કેનેડાએ પોલીસમેનને કર્યો સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં હિંસા કરનારા લોકો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ માત્ર હિંદુ શ્રદ્ધાળુઓ વિરુદ્ધ જ કાર્યવાહી કરી રહી હતી. .તે જ સમયે, ટ્રુડો સરકારે ખાલિસ્તાની ઝંડો લહેરાવનાર કેનેડિયન પોલીસમેનને સસ્પેન્ડ કરી દીધો છે. તે પીલ પ્રાદેશિક પોલીસના સાર્જન્ટ હરવિંદર સોહી છે. સોહી બ્રેમ્પટનમાં હિન્દુ મંદિર પર હુમલામાં સામેલ હતી.
કેનેડામાં રહેતા ઋષભે કહ્યું કે હિંદુ સમુદાય તરીકે જે બન્યું તેનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. અમે અહીં હિન્દુ સમુદાયના સમર્થનમાં આવ્યા છીએ. હિન્દુ સમુદાયે કેનેડામાં ઘણું યોગદાન આપ્યું છે અને અમે પ્રગતિશીલ છીએ, અમે ઘણું આર્થિક મૂલ્ય ઉમેરીએ છીએ, અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરીએ છીએ, પછી ભલે તે કેનેડા હોય કે બીજે ક્યાંય. રાજકારણીઓ અને પોલીસની પ્રતિક્રિયા જોઈને ખૂબ જ દુઃખ થયું, તેઓએ અમારી સાથે કેવું વર્તન કર્યું... અમે અહીં સમર્થનમાં આવ્યા છીએ. અમને માત્ર ન્યાય જોઈએ છે. કાયદાના શાસનનું પાલન થવું જોઈએ અને ગુનેગારો સામે કાયદાના શાસન હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
હિંદુ મંદિરને ખાલિસ્તાનીઓએ બનાવ્યુ નિશાને
ઉલ્લેખનીય છે કે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ મહાસભાના મંદિરને ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યું હતું. હિન્દુ શ્રદ્ધાળુઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટના બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે મંદિર પર હુમલા અને હિંસાની ઘટનાઓને સ્વીકારી શકાય નહીં, પરંતુ ટ્રુડોના આ નિવેદન અને કેનેડિયન પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ટ્રુડોની વાત અને પોલીસની કાર્યવાહીમાં દુનિયાનો તફાવત જોવા મળ્યો હતો.