કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો મુદ્દો હવે વેગ પકડી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશમાં સ્થાનિક રહેઠાણ અને નાગરિકતા માટેની સિસ્ટમના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમને નાગરિકતા મેળવવા માટે આશ્રય પ્રક્રિયાનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓનો વિરોધ કરવાની વાત કરી છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા ટ્રુડોએ કહ્યું કે કેનેડાની નૈતિક જવાબદારી છે કે તે હિંસા અને ડરથી ભાગી રહેલા લોકોને આશ્રય આપે, પરંતુ આ વ્યવસ્થાનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાની પણ જરૂર છે.
જસ્ટિન ટ્રુડોએ કહી આ વાત
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે 'આ કરવાની અમારી ક્ષમતા (આશ્રય આપવા)નો અર્થ એ છે કે કોને સૌથી વધુ મદદની જરૂર છે તે આપણે ચોક્કસ રીતે ઓળખવામાં સક્ષમ હોવા જોઈએ. "અમે ખરેખર શરણાર્થી કોણ છે અને અન્ય લોકો કેનેડામાં કાયમી રહેઠાણ અથવા નાગરિકતા મેળવવા માટે શોર્ટકટ તરીકે આશ્રય માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેની સામે દબાણ રાખવાની જરૂર છે."
કેનેડામાં આશ્રય માટેની વધી રહી છે અરજીઓ
ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાના ડેટા દર્શાવે છે કે 2024ના પ્રથમ 8 મહિના દરમિયાન 13,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કેનેડામાં આશ્રય માટે અરજી કરી છે. 1 જાન્યુઆરીથી 31 ઓગસ્ટની વચ્ચે કેનેડામાં 119,835 આશ્રય અરજીઓ કરવામાં આવી હતી. તેમાંથી 12,915 દાવેદારો એવા હતા કે જેઓ કેનેડામાં સ્ટુડન્ટ પરમિટ (11,605) અથવા સ્ટડી પરમિટના વિસ્તરણ હેઠળ (1310) રહેતા હતા.
અરજીઓમાં 600 ટકાનો વધારો
કેનેડિયન મીડિયા રિપોર્ટ મુજબ 2018માં આશ્રય માટે અરજી કરનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 1515 હતી. આનો અર્થ એ છે કે છ વર્ષમાં અરજીઓમાં 600 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં વિદેશી વિદ્યાર્થીઓ તરફથી આશ્રય માટેના સૌથી વધુ દાવાઓ આવ્યા હતા. સ્ટુડન્ટ વિઝા અથવા સ્ટડી પરમિટ એક્સટેન્શન પર રહેતા 1785 વિદ્યાર્થીઓએ શરણાર્થી સ્ટેટસ માટે અરજી કરી હતી.
વધતી સંખ્યાને લઈને કેનેડામાં વિરોધ પ્રદર્શન
કેનેડામાં વસાહતીઓની વધતી સંખ્યાને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. દેશમાં વધતી મોંઘવારી અને હાઉસિંગ કટોકટી માટે ઈમિગ્રેશનને જવાબદાર ગણવામાં આવે છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો ઇમિગ્રન્ટ્સને લઈને જસ્ટિન ટ્રુડોની ઉદાર નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.