ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે કેનેડાથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાની બરાબરની ઝાટકણી કાઢી છે. ત્યારે આ તણાવ વચ્ચે કેનેડાના પત્રકાર ડેનિયલ બોર્ડમે PM જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધ્યું છે. પત્રકારે તેમની વિશ્વસનીયતા અને નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે.
પત્રકારે ઉભરો ઠાલવ્યો
પત્રકાર ડેનિયલ બોર્ડમે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારત સરકારના નિર્ણયને બંને દેશો વચ્ચેના વધતા જતા મતભેદોનો સ્પષ્ટ સંકેત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ખાલિસ્તાની તત્વો આ સ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે... તેઓ આને પોતાની સંપૂર્ણ જીત માની રહ્યા છે અને ભારત પર હુમલો કરી રહ્યા છે.
કેનેડિયન પત્રકારે લગાવ્યા આરોપ
પત્રકાર ડેનિયલ બોર્ડમે કહ્યું કે ટ્રુડોના નિર્ણયથી કેનેડિયનો અત્યંત નિરાશ છે. મોટાભાગના કેનેડિયન આ સરકારથી કંટાળી ગયા છે. તેઓ સંસ્થાઓ પર વિશ્વાસ કરતા નથી, મીડિયાને વિશ્વાસપાત્ર માનતા નથી અને જસ્ટિન ટ્રુડોને પણ વિશ્વાસપાત્ર માનતા નથી. ઘણા કેનેડિયન આ બાબતે માથું ઝુકાવી દેશે અને કદાચ ભારતની તરફેણમાં ઊભા પણ થઈ જશે. બોર્ડમે કહ્યું કે ભારત કેનેડા વચ્ચેના સંબંધોની સ્થિતિ ભારતીય સરકાર દ્વારા ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી કેનેડાના નેતૃત્વમાં પરિવર્તન ન આવે. બોર્ડમે અનુમાન લગાવ્યુ કે જો ચૂંટણી થાય છે તો નવી સરકાર ભારત સાથેના સંબંધો પ્રત્યે એક અલગ જ દ્રષ્ટિકોણ અપનાવશે. જો ચૂંટણી થાય તો ટ્રૂડોની સત્તા જશે તે લગભગ નક્કી જ છે.
શું છે વિવાદ ?
મહત્વનું છે કે ભારતે કેનેડામાંથી તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ભારતે પણ છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે તેમને 19 ઓક્ટોબરની મધરાત 12 સુધીમાં ભારત છોડવા માટે કહ્યું છે. મહત્વનું છે કે સોમવારે ભારતે કેનેડાના એક ડિપ્લોમેટિક કોમ્યુનિકેશનને નકારી કાઢ્યુ હતું. જેમાં કેનેડાએ ભારતીય હાઈ કમિશનર અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર ગયા વર્ષે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો.