- 1990થી 2019 દરમિયાન દર્દીઓ 18.2 કરોડથી વધીને 32.6 કરોડ થયા
- પ્રોસ્ટેટ અને વિન્ડપાઇપ કેન્સર તથા પાચનતંત્રમાં થતા કેન્સરના કેસ વધ્યા
- ગાળામાં કેન્સરથી મોતનું પ્રમાણ પણ 28 ટકા વધ્યું
કેન્સર અંગે દુનિયાભરમાં થઈ રહેલા રિસર્ચ છતાં તેને અસાધ્ય રોગોની કેટેગરીમાંથી દૂર નથી કરી શકાયું. તાજેતરમાં હાથ ધરાયેલા એક સ્ટડીના તારણો-દાવા ડરામણા છે. તે મુજબ વિશ્વમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં કેન્સરના કેસ 79 ટકા વધ્યા છે. બ્રિટિશ મેડિકલ જર્નલ (ઓન્કોલોજી)એ તેના સ્ટડીના આધારે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટમાં 2019 સુધીના આંકડા આવરી લેવાયા છે. આ હિસાબે 1990થી 2019 દરમિયાન કેન્સરના દર્દીઓ 18.2 કરોડથી વધીને 32.6 કરોડ થયા. ગાળામાં કેન્સરથી મોતનું પ્રમાણ પણ 28 ટકા વધ્યું છે. વિશ્વના 204 દેશમાં 29 પ્રકારના કેન્સરના દર્દીઓના આંકડાના આધારે રિપોર્ટ તૈયાર કરાયો છે.
નારાયણા હેલ્થના ચેરમેન ડૉ. દેવી શેટ્ટીએ જણાવ્યું કે આ ત્રણ દાયકામાં ડાયગ્નોસ્ટિક ટૂલ્સ પણ વિકસ્યા છે, ચિકિત્સા સુવિધાઓ વધી છે. આ કારણથી વધુ લોકો તપાસ કરાવે છે. પહેલાં બહુ ઓછા લોકો હોસ્પિટલ સુધી પહોંચી શકતા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો તપાસ નહોતા કરાવતા. વધતા પ્રદૂષણ, ખાનપાનની આદતો તથા શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડાને પણ નજરઅંદાજ ન કરી શકાય.
