- ચીનના નવા વાયરસના કહેરથી WHOએ આપી ચેતવણી
- લિયાઓનિંગ પ્રાંતમાં બાળકો ઝડપથી બીમાર પડ્યા
- બાળકોમાં ફેફસાંમાં બળતરા, ખૂબ તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો દેખાયા
વર્ષ 2020માં ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ વાયરસે જ વિશ્વભરના કરોડો લોકોને તેમના ઘરોમાં કેદ થવા મજબૂર કર્યા હતા. ભારત હોય કે અમેરિકા, ચીન હોય કે નેપાળ, તમામ દેશોએ લોકડાઉનનો આશરો લેવો પડ્યો હતો.
ચીનમાં નવા વાયરસનો કહેર
હવે આ દેશમાંથી વધુ એક ડરામણા વાયરસના સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. હકીકતમાં ચીની મીડિયા અનુસાર, ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતમાં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. આ રોગ દરમિયાન બાળકોમાં ફેફસાંમાં બળતરા, ખૂબ તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે. હાલમાં તેને મિસ્ટ્રી ન્યુમોનિયા કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસના ફેલાવાને રોકવા અને બાળકોને બીમાર થવાથી બચાવવા માટે, શાળાઓ બંધ કરવામાં આવી છે.
જો કે, કોરોના મહામારી બાદ આ પ્રથમ વાયરસ જન્ય રોગ નથી જેણે ભારત સહિત અન્ય દેશોને ચિંતિત કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, મંકીપોક્સ, ઝિકા, ઇબોલા જેવી ઘણી બીમારીઓ છે જે ઘણી ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ તમામ વાયરસ એશિયા અને આફ્રિકામાંથી ઉદ્ભવ્યા છે.
આવી સ્થિતિમાં, કેવી રીતે આ રહસ્યમય ન્યુમોનિયાથી બચી શકાય છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં એશિયા અને આફ્રિકામાં વાયરસ જન્ય રોગો કેમ વધી રહ્યા છે.
ચીનનો આ રહસ્યમય ન્યુમોનિયા શુું છે?
રહસ્યમય ન્યુમોનિયા આ વાયરસ ચીનમાં વધુને વધુ બાળકોને તેનો શિકાર બનાવી રહ્યો છે. જ્યારે આ વાયરસથી ચેપ લાગે છે, ત્યારે બાળકોને ફેફસામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફેફસામાં દુખાવાના કારણે દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ચીની મીડિયા અનુસાર, હાલમાં બેઇજિંગના લિયાઓનિંગમાં આવેલી બાળરોગ હોસ્પિટલ આ ચેપથી સંક્રમિત બાળકોથી ભરેલી છે.
આ રોગને ન્યુમોનિયાથી અલગ કેમ ગણવામાં આવે છે?
જો આપણે ન્યુમોનિયાના લક્ષણો વિશે વાત કરીએ, તો દર્દીને કફ સાથે અને વગર ઉધરસ, તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ છે. તો બીજી તરફ, જો આપણે ચીનમાં ફેલાયેલા આ વાયરસની વાત કરીએ, જેને રહસ્યમય ન્યુમોનિયા કહેવામાં આવે છે તો તેનાથી સંક્રમિત બાળકોમાં ઉધરસના લક્ષણો નથી પરંતુ તેમને ખૂબ તાવ અને ફેફસામાં સોજો છે.
WHOએ શું કહ્યું?
હાલમાં આરોગ્ય એજન્સીએ ચીનને આ રોગ તેના સંબંધિત કેસ અને લક્ષણો પર નજીકથી નજર રાખવા કહ્યું છે. આ ઉપરાંત WHOએ આ વાયરસને લગતી કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જેમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. WHOની માર્ગદર્શિકામાં લોકોને તેમના ઘર અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. માર્ગદર્શિકા અનુસાર, શરીરમાં કોઈ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સામાજિક અંતર જાળવવા અને માસ્કનો ઉપયોગ કરવા પણ કહેવામાં આવ્યું છે.
તો શું આ વાયરસ પણ કોરોના જેવી મહામારી છે?
હકીકતમાં આ રહસ્યમય ન્યુમોનિયાને હજુ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મહામારી જાહેર કરવામાં આવી નથી. તે જ સમયે, સર્વેલન્સ પ્લેટફોર્મ પ્રો-મેડ એ પણ કહ્યું હતું કે આ સમયે તેને રોગચાળો કહેવું ખોટું અને અકાળ હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગની તપાસ માટે હાલમાં ચીનમાં ફેલાતા તમામ પ્રકારના વાયરસની યાદી પણ માંગી છે.
ગયા મહિને ચીનમાં H9N2 (એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)નો પહેલો કેસ સામે આવ્યા બાદ તેની તૈયારીઓ અંગે DGHSની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ WHOને આપવામાં આવ્યો હતો.
રહસ્યમય ન્યુમોનિયા અંગે ભારત એલર્ટ
ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં આ રોગનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારતમાં આ વાયરસના ફેલાવાનું જોખમ ઘણું ઓછું છે. પરંતુ આ પછી પણ મંત્રાલય આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મંત્રાલયના એક નિવેદન અનુસાર, 'ભારત એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ ચીનમાંથી નોંધાયેલા શ્વસન રોગના ક્લસ્ટરથી ઓછું જોખમ ધરાવે છે.' આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત ચીનમાં ફેલાતા આ ખતરનાક વાયરસથી ઉદ્ભવતી કોઈપણ ઈમરજન્સી માટે તૈયાર છે.
આ વિસ્તારમાં સૌથી વધુ વાયરસ કેમ જોવા મળે છે?
તેનું સૌથી મોટું કારણ આ ખંડોમાં વસ્તીની ગીચતા છે. વધુ વસ્તીને કારણે લોકો પ્રાણીઓના સંપર્કમાં આવવાની શક્યતાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં રોગ ફેલાવાનું જોખમ ઘણું વધી જાય છે. હાલમાં વિશ્વના લગભગ 60 ટકા લોકો એશિયા અને પેસિફિક પ્રદેશોમાં વસે છે. વસ્તી વધારાને કારણે માણસો અને પ્રાણીઓ સીધા સંપર્કમાં આવવા લાગ્યા છે. આ જંગલી પ્રાણીઓમાં ઘણા ખતરનાક વાયરસ છે જે હજુ સુધી શોધી શક્યા નથી.










