પાકિસ્તાન અને ચીન કહેવા માટે મિત્રો છે, પરંતુ બન્નેની આ મિત્રતા એકબીજાથી નફો મેળવવાની છે. આ બન્ને દેશોની મિત્રતાનું સૌથી મોટું કારણ તેમનો ભારત વિરોધી એજન્ડા છે. જ્યારે પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ચીન તેને સંપૂર્ણ સમર્થન આપે છે.


આતંકવાદને લઈ ડ્રેગન રોષે ભરાયો

પરંતુ હવે જ્યારે પાકિસ્તાનનો આતંકવાદ ચીનને નુકસાન પહોંચાડી રહ્યો છે ત્યારે ડ્રેગન રોષે ભરાયો છે. ચીને પાકિસ્તાનમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓની આકરી ટીકા કરી છે. છેલ્લા 6 મહિનામાં પાકિસ્તાનમાં ચીની અધિકારીઓને નિશાન બનાવીને 2 આતંકવાદી હુમલા થયા છે.

ચીનના રાજદૂતે પાકિસ્તાનને ફટકાર લગાવી

ચીનના રાજદૂત જિયાંગ જાઈદોંગે આ હુમલાઓને લઈને પાકિસ્તાન સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે શહબાઝ સરકારને ચીન વિરોધી આતંકવાદી સંગઠનોના મામલામાં નિર્ણાયક પગલાં લેવા કહ્યું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર 'China@75' સેમિનારમાં ચીનના રાજદૂતે ચીની અધિકારીઓ પર આતંકવાદી હુમલા પર નારાજગી વ્યક્ત કરી છે અને સુરક્ષા પ્રોટોકોલ સુધારવા માટે કહ્યું છે.

જિનપિંગના પાકિસ્તાન પ્રવાસ પહેલા સુરક્ષા પર સવાલો

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટૂંક સમયમાં પાકિસ્તાનની મુલાકાતે જવાના છે, તેથી સુરક્ષાને લઈને ચીનની ચિંતા વધી ગઈ છે. અગાઉ આ વર્ષે માર્ચમાં અને હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચીનના અધિકારીઓને નિશાન બનાવીને બે આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા, જેને રાજદૂત જિયાંગ જાઈદોંગે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, ચીન અપેક્ષા રાખે છે કે પાકિસ્તાન ચીનના નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટની સુરક્ષા માટે કડક પગલાં લેશે.

નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતાઃ ચીન

જિયાંગે સુરક્ષા ચિંતાઓને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) માટે પ્રાથમિક પડકાર ગણાવ્યો અને કહ્યું કે, સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ વિના કોઈ લક્ષ્ય હાંસલ કરી શકાતું નથી. તેમણે પાકિસ્તાનમાં ચીનના વિરોધીઓને કડક સજા આપવા અને ચીન વિરોધી આતંકવાદી જૂથોને ખતમ કરવા પર ભાર મૂક્યો હતો.

પાકિસ્તાનમાં ચીની નાગરિકોને લઈને શી જિનપિંગ ચિંતિત

જિયાંગે કહ્યું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનના લોકોની સુરક્ષા અને તેમની જિંદગીને પ્રથમ પ્રાથમિકતા આપે છે. તે પાકિસ્તાનમાં હાજર ચીની નાગરિકોને લઈને ખૂબ જ ચિંતિત છે. જિનપિંગ જ્યારે પણ પાકિસ્તાની અધિકારીઓને મળે છે ત્યારે તેઓ તેમને ચીનના લોકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહેતા હોય છે.

China@75' સેમિનાર

મીડિયા અહેવાલ મુજબ આ સેમિનારનું આયોજન પાકિસ્તાન ચાઈના ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બન્ને દેશોના અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં ચીન તરફથી જિયાંગ જાઈદોંગ અને પાકિસ્તાન તરફથી નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભાષણ આપ્યું હતું.

પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યું છે પાકિસ્તાન..!

ડેપ્યુટી પીએમ ઈશાક ડારે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહેલી આતંકવાદ વિરોધી કાર્યવાહીની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જિનપિંગ અને આસિફ અલી ઝરદારી વચ્ચેની બેઠકમાં પાકિસ્તાનના પ્રયાસો અંગે અપડેટ આપવામાં આવશે. પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ઈશાક ડારે કહ્યું કે, પાકિસ્તાન અને ચીનની મિત્રતા કેટલીક શક્તિઓને પચી રહી નથી, તેથી ચીનના અધિકારીઓ પર હુમલા વધી રહ્યા છે.

ચીનના અધિકારીઓ પર હુમલા ક્યારે થયા?

આ વર્ષે માર્ચ મહિનામાં ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ચીની અધિકારીઓને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 5 ચીની એન્જિનિયરો અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે ચીનના અધિકારીઓ દેશના સૌથી મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ દાસુ ડેમ તરફ જઈ રહ્યા હતા.

6 ઓક્ટોબરે કરાચી એરપોર્ટની બહાર થયેલા વિસ્ફોટમાં બે ચીની કર્મચારીઓના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. બલોચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી હતી.

પાકિસ્તાનમાં ચીનનો જોરદાર વિરોધ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના લોકો સતત ચીનનો વિરોધ કરી રહ્યા છે. તે પાકિસ્તાનનો સૌથી મોટો અને સંસાધન સમૃદ્ધ પ્રાંત કહેવાય છે પરંતુ પાકિસ્તાની શાસકોની ઉપેક્ષાને કારણે તે ખૂબ જ ગરીબ છે. પાકિસ્તાન સરકારે અહીં ચીનના મોટા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, પરંતુ બલૂચિસ્તાનના લોકોને ન તો રોજગાર મળ્યો છે અને ન તો તેમના આર્થિક સ્તરમાં કોઈ સુધારો થયો છે, જેના કારણે લોકો પાકિસ્તાન સરકારની સાથે સાથે ચીનથી પણ ખૂબ નારાજ છે.

  • Follow us on: