- અમેરિકાનાં ચાઈનીઝ કંપનીઓ પર મુકાયેલા નિયંત્રણ પર ચીન લાલઘૂમ
- ચીન-અમેરિકા વચ્ચેનાં ટ્રેડ વોરની વૈશ્વિક બજાર પર પડી રહી છે માઠી અસર
- ચીનનાં નિર્ણયથી ટેક કંપનીઓને વેઠવું પડી શકે છે મોટું નુકસાન
ચીનના વાણિજ્ય મંત્રાલય અને કસ્ટમ્સ જનરલ એડમિનિસ્ટ્રેશને માહિતી આપતા જણાવ્યું છે કે ''ચીન ગ્રેફાઇટની નિકાસ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે''. ઇલેક્ટ્રિક કારમાં વપરાતી બેટરીના ઉત્પાદન માટે ગ્રેફાઇટને સૌથી મહત્વપૂર્ણ ખનિજ ગણવામાં આવે છે. ચીનના આ પગલાથી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકોની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે ચીનનાં આ નિર્ણયછથી તેમની પાસે બેટરી બનાવવા માટે ગ્રેફાઇટની અછત સર્જાઈ શકે છે.
ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરનું પરિણામ
ચીન દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકાએ પણ આવી જ જાહેરાત કરી છે. વોશિંગ્ટન ડીસીએ અમેરિકન કંપનીઓ મારફત ચાઈનીઝ કંપનીઓને વેચાતા અનેક પ્રકારના સેમિકન્ડક્ટર પર વધારાના નિયંત્રણો લાદ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આ ટ્રેડ વોરનું પરિણામ સામાન્ય લોકોને ભોગવવું પડી શકે છે. બેટરીની અછતને કારણે તેની કિંમત પણ વધી શકે છે.
જેવા સાથે તેવા
સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ ગેલેન યુનિવર્સિટીના ટેક્સ અને વેપાર નીતિના વડા સ્ટેફન લેગેએ જણાવ્યું હતું કે ચીન અને પશ્ચિમી દેશો હાલમાં જેવા સાથે તેવાનાં વલણમાં ફસાયેલા છે. ન્યૂટનનો ત્રીજો સિદ્ધાંત કહે છે કે દરેક ક્રિયાની ચોક્કસ પ્રતિક્રિયા હોય છે. અહીં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિવાદને કારણે બંને પક્ષોને સમજાયું છે કે જો અર્થતંત્ર પર ભૌગોલિક રાજનીતિ વધુ પડતી હોય તો તે કેટલું મોંઘું સાબિત થઈ શકે છે.
ચીને કયા આધારે લગાવ્યો પ્રતિબંધ ?
ચીને રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને ગ્રેફાઇટની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે જો કોઈ ડિસેમ્બરથી ગ્રેફાઈટની નિકાસ કરવા ઈચ્છે છે તો તેને પરમિટની જરૂર પડશે. ચીન વિશ્વમાં સૌથી વધુ ગ્રેફાઇટનું ઉત્પાદન કરે છે. વિશ્વના ગ્રેફાઇટ ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 65 ટકા છે. ગત વર્ષે ચીને વિશ્વમાં સૌથી વધુ ગ્રેફાઇટનું ઉત્પાદન કર્યું હતું. આવી સ્થિતિમાં તેના આ પગલાની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે.
ઇલેક્ટ્રિક વાહનની બેટરીની સૌથી વધુ માંગ
વોશિંગ્ટન સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જી રિસર્ચએ કહ્યું કે કાર ઉત્પાદકો ચીનની બહારથી ગ્રેફાઈટના સપ્લાય પર નિર્ભર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમયે ઇલેક્ટ્રિક વાહનની બેટરીની માંગ સૌથી વધુ છે. ગયા વર્ષે એક કરોડથી વધુ ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું હતું. આ વર્ષે 1.4 કરોડ કારનું વેચાણ થવાનો અંદાજ છે. ગ્રેફાઇટ દ્વારા બનેલી બેટરીનું બજાર 2018 થી 250 ટકાના દરે વધી રહ્યું છે.
શું ગ્લોબલ ટેક વોર ફાટી શકે છે?
ચીનના નિકાસ પ્રતિબંધને કારણે વૈશ્વિક પુરવઠો ખોરવાઈ શકે છે. જેના કારણે કાર કંપનીઓને મોટી મુશ્કેલીમાં મુકાઈ જવું પડી શકે છે. ચીનનું આ વલણ ગ્લોબલ ટેક વોરને આમંત્રણ આપી શકે છે. એટલું જ નહીં પરંતુ તેના કારણે ચીન અને અમેરિકા વચ્ચેનાં સંઘર્ષમાં વધારો થઈ શકે છે. જો કે ચીને નિશ્ચિતપણે કહ્યું છે કે તેની કંપનીઓને નિકાસ કરવા માટે પરમિટની જરૂર પડશે. આવી સ્થિતિમાં બજાર સ્થિર થાય તેવી પણ શક્યતા છે.