- ચીનના ટોચના રાજદ્વારી અને વિદેશ મંત્રી વાંગ યી રશિયાના પ્રવાસે પહોંચ્યા
- ચીનના વિદેશ મંત્રી વાંગ યી 4 દિવસની મુલાકાતે રશિયા ગયા
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ચીનની મુલાકાત લઈ શકે
રશિયા અને ચીન વચ્ચેની નિકટતા દુનિયાથી છુપી નથી. બંને દેશો પોતાના સંબંધોને વધુ સુધારવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ચીનના ટોચના રાજદ્વારી અને વિદેશ મંત્રી વાંગ યી રશિયાના પ્રવાસે પહોંચ્યા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ વાંગ યી 4 દિવસની મુલાકાતે રશિયા ગયા છે. તેમની મુલાકાત એટલા માટે પણ ખાસ બની જાય છે કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ચીનની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ મુજબ, ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વાર્ષિક વ્યૂહાત્મક સુરક્ષા પરામર્શ બેઠકો માટે ગુરુવાર સુધી રશિયામાં રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને મળશે. જે બાદ બંને પક્ષો વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા થશે. માઓએ કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન યુક્રેન યુદ્ધ વાટાઘાટોનો મુખ્ય મુદ્દો હશે. આ સિવાય તેઓ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નાટો દળોના વિસ્તરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરશે.










