- વિશ્વવ્યાપી બની શકે છે યુદ્ધ
- ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ બની શકે છે વિશ્વયુદ્ધ
- ભારત માટે ખાસ વધી શકે છે ચિંતા
હાલમાં ઈઝરાયેલ અને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ મામલે હવે ચીન પણ વચ્ચે કૂદી પડ્યું છે. હકીકતે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નેવી બ્રાંચે મધ્ય-પૂર્વમાં છ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે કારણ કે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. જો કે અરબી સમુદ્રમાં ચીની નૌસેનાની વધતી હાજરીના લીધે ભારતને સીધી અસર થઈ શકે છે. નોંધનીય છે કે ચીની જહાજો ભારતીય દરિયાઈ કાંઠા વિસ્તારથી ઘણાં નજીક હશે.
ચીનના આ જહાજોમાં ટાઈપ 052D ગાઈડેડ-મિસાઈલ, ફ્રિગેટ જિંગઝુ, ઈન્ટીગ્રેટેડ સપ્લાય શિપ કિઆન્ડોહુ સામેલ છે. તેઓ ચીની નૌસેનાના 44મી નેવલ એસ્કોર્ટ ટાસ્ક ફોર્સનો ભાગ હતા, જેણે તાજેતરમાં ઓમાન સાથે સંયુક્ત લશ્કરી કવાયતમાં ભાગ લીધો હતો.
ચીને મોકલ્યા યુદ્ધજહાજો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ યુદ્ધમાં અમેરિકા, તેના સહયોગી, રશિયા, ચીન, ઉત્તર કોરિયા કૂદી રહ્યા હોવાનું જોવામાં આવી રહ્યું છે. અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાની તાકાત વધારી છે. ઈઝરાયેલની મદદ માટે ખાસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે આ મામલે હવે ચીન પણ પાછળ નથી. ચીને આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધાર્યો છે. ચીને આ વિસ્તારમાં પોતાના 6 નૌસેના જહાજો તૈનાત કર્યા છે. જે એકદમ ભારતથી નજીક છે અને હાલમાં ઈરાનને સપોર્ટ કરી રહેલું ચીન પોતાના નૌસેના જહાજોથી ઈરાનને પણ સપોર્ટ કરી શકે તેમ છે.
ગાઝા પર ઈઝરાયેલ હુમલા માટે તૈયાર
હાલના દિવસોમાં ગાઝા પર ઈઝરાયેલ જમીની હુમલા કરવા તૈયાર છે. અમેરિકા તેને સમર્થન આપી રહ્યું છે. ઈરાને આ મામલે સીધી કાર્યવાહીની ધમકી અમેરિકા અને ઈઝરાયેલ બંનેને આપી છે. આ સ્થિતિમાં ઈરાનનું સમર્થન કરી રહેલું ચીન તેના જહાજો દ્વારા ઈરાનને સમર્થન આપશે, જો આ સમર્થનથી ફૂલાઈને ઈરાન અમેરિકા-ઈઝરાયેલ સાથે યુદ્ધમાં ઉતરે છે તો પછી આ લડાઈ સીધી ઈઝરાયેલ અને હમાસના બદલે અમેરિકા અને ઈરાન અને પછીથી અમેરિકા વિરુદ્ધ ચીનની થઈ જશે, જે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાને ભડકાવી દેશે.
અરબી સમુદ્રમાં થઈ શકે છે યુદ્ધ
આ યુદ્ધ અરબી સમુદ્રમાં ચાલુ થઈ શકે તેમ છે જેમાં સીધી અસર ભારતને પડી શકે તેમ છે. ભારતના વેપારી જહાજો પર તેની અસર થશે, ભારત જો તટસ્થ પણ રહે તો પણ આ સંભવિત યુદ્ધથી ભારતના વેપારને ઘણી મોટી નુકસાની થઈ શકે છે. ભારતનો દરિયાઈ જહાજોનો ટ્રાફિક ખોરવાઈ શકે છે અને ચીની સમર્થનના જોરે કૂદતું પાકિસ્તાન પણ આવી સ્થિતિમાં ભારતને કાંકરીચાળો કરી શકે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.++
ચીનનું અડગ વલણ
ચીને હમાસ-ઈઝરાયલ યુદ્ધ અંગે પોતાનું વલણ જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે સ્વતંત્ર પેલેસ્ટાઈન અને બે રાષ્ટ્ર સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. શી જિનપિંગ કહે છે કે આ જ સિદ્ધાંત આ ક્ષેત્રમાં પણ લાગુ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં યુદ્ધવિરામને પ્રાથમિકતા આપતા ચીને બંને પક્ષોને તાત્કાલિક યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. અમેરિકાએ ઈઝરાયેલમાં બે વિમાનવાહક જહાજો લેન્ડ કર્યા બાદ ચીને આ ક્ષેત્રમાં છ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ યુદ્ધમાં ઈરાનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ ઈઝરાયલ સામે આવવાની સંભાવનાને જોતા અમેરિકા આ ક્ષેત્રમાં સક્રિય થઈ ગયું છે.
અમેરિકાની પાછળ ચીનનો પ્રવેશ
અમેરિકાની આ વધતી શક્તિને જોઈને ચીને પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આ વિસ્તારમાં ઘણા ફાઈટર પ્લેન મંડરાતા હોય છે. અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં 2000 વિશેષ પ્રશિક્ષિત સૈનિકો તૈનાત કર્યા છે. જેના કારણે ચીન અમેરિકાથી નારાજ છે. બાઈડેન અને મોદી સરકાર માટે આ ઘણી ટેન્શનની બાબત બની શકે છે. ચીન અને અમેરિકાનું સંભવિત યુદ્ધ ભારતના સમુદ્રી કિનારાઓ ખાસ કરીને એવા રાજ્યો કે જે અરબી સાગર સાથે કિનારો ધરાવે છે જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોને સીધી અસર કરશે.