- ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પહેલી પ્રતિક્રિયા
- ચીન ઈચ્છે છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શક્ય તેટલું જલ્દી બંધ થઈ જાય
- ચીન સંઘર્ષના કાયમી ઉકેલ માટે આરબ સરકારો સાથે કામ કરવા તૈયાર છે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પહેલી પ્રતિક્રિયા આવી છે. જિનપિંગે કહ્યું હતું કે ચીન ઈચ્છે છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શક્ય તેટલું જલ્દી બંધ થઈ જાય. એટલું જ નહીં, જિનપિંગે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે મધ્યસ્થીનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.
જિનપિંગે કહ્યું હતું કે, ચીન સંઘર્ષના કાયમી ઉકેલ માટે આરબ સરકારો સાથે કામ કરવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે સંઘર્ષને વધતો અટકાવવા માટે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ જરૂરી છે.
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ
7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા. આટલું જ નહીં હમાસના લડવૈયાઓ ઈઝરાયેલમાં ઘૂસીને લોકો પર હુમલો કર્યો હતો. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં 1400 લોકો માર્યા ગયા છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યાંકો પર હવાઈ હુમલા કરી રહ્યું છે. તેના જવાબમાં ગાઝા પટ્ટીમાંથી હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહ હમાસના ટાર્ગેટ પર હવાઈ હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલના હુમલામાં 3500થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. જ્યારે 13 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર ચીને શું કહ્યું?
આ પહેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ચીને પોતાના સત્તાવાર નિવેદનમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલને યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની અપીલ કરી હતી. બેઈજિંગ તરફથી કહેવામાં આવ્યું હતું કે બંને દેશોએ સંયમ રાખવો જોઈએ અને પરિસ્થિતિને બગડવાથી બચવું જોઈએ. આ સાથે ચીને નાગરિકોની સુરક્ષા માટે શાંતિ પુનઃસ્થાપિત કરવાનું કહ્યું હતું.
ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના ભીષણ સંઘર્ષ પરના પ્રશ્નોના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં બંને પક્ષોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ઈઝરાયેલે નારાજગી વ્યક્ત કરી હતી
તો બીજી તરફ ઈઝરાયેલે ચીનના નિવેદનો અને મીડિયા રિપોર્ટ્સ પર નિરાશા વ્યક્ત કરી હતી. ઈઝરાયેલે કહ્યું હતું કે ચીનના અહેવાલોમાં આતંકવાદી સંગઠન હમાસ દ્વારા નિર્દોષ નાગરિકો વિરુદ્ધ કરવામાં આવેલા આતંકવાદી હુમલા અને ઘાતકી હત્યાકાંડ તેમજ ગાઝા પટ્ટીમાં ડઝનબંધ લોકોના અપહરણની કોઈ સ્પષ્ટ નિંદા નથી.
ઇઝરાયેલના રાજદૂત રફી હરપાઝે કહ્યું હતું કે, ચીનના નિવેદનમાં ઇઝરાયેલના પોતાના અને તેના નાગરિકોની રક્ષા કરવાના અધિકારનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જે માનવ સમાજ પર અભૂતપૂર્વ અને અસહ્ય ક્રૂર હુમલાનો સામનો કરવા માટે કોઇ પણ સાર્વભૌમ રાજ્યનો મૂળભૂત અધિકાર છે.