- આતંકવાદીઓ રશિયન નહીં પરંતુ વિદેશી ભાષામાં વાતચીત કરતા હોવાનો સાક્ષીઓનો દાવો
- રશિયાએ ક્રોકસ સિટી હૉલમાં આતંકી હુમલો કરનારના ફોટા પ્રસિદ્ધ કર્યા
- આ આતંકી હુમલાની ઘટનાને દુનિયાના દેશોએ વખોડી હતી
વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ સીરિયા એન્ડ ઈરાક (ISIS)એ શુક્રવારે મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે. આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા હતા અને 145થી વધુ લોકો ઘાયલ થયા હતા. ISISએ તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન પ્રસિદ્ધ કરીને કહ્યું કે, 'અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મૉસ્કોની બહાર સ્થિત ક્રોકસ કોન્સર્ટ હોલ પર હુમલો કર્યો છે.' ISના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા આવી ગયા છે.
આ દરમિયાન રશિયન મીડિયાએ આતંકવાદીઓની તસવીરો પ્રકાશિત કરી છે. મળતી માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આ હુમલાખોરો 'એશિયન અને કોકેશિયન' લોકો જેવા દેખાતા હતા અને તેઓ રશિયન નહીં પણ વિદેશી ભાષામાં વાત કરી રહ્યા હતા. રશિયન મીડિયાનો દાવો છે કે આતંકવાદીઓ ઈંગુશેટિયાના વતની છે. મિલિટરી યુનિફોર્મ પહેરેલા આતંકીઓ બિલ્ડીંગમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. જે પણ સામે દેખાતું હતું તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી એક વિસ્ફોટ થયો, જેના કારણે કોન્સર્ટ હોલમાં આગ લાગી. આ આતંકી હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી.









