- નિજ્જરની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે નવો વિવાદ શરૂ
- નિજ્જર હત્યા કેસની તપાસ કરી રહેલી કેનેડિયન પોલીસે નિવેદન આપ્યું
- કેનેડાની તપાસ એજન્સીએ હત્યામાં સામેલ કારનો ફોટો જાહેર કર્યો
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે નવો વિવાદ શરૂ થયો છે. ભારત સરકારે જસ્ટિન ટ્રુડોના નિવેદનોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, કેનેડિયન PMના દાવા પ્રેરિત અને વાહિયાત છે. આ દરમિયાન હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસની તપાસ કરી રહેલી કેનેડિયન પોલીસે મોટું નિવેદન આપ્યું છે. આ કેસની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. આ સાથે કેનેડિયન તપાસ એજન્સી ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT)એ નિજ્જરની હત્યામાં સામેલ કારની તસવીર જાહેર કરી છે.
હજુ વધુ પુરાવાની શોધખોળ ચાલુ: કેનેડિયન પોલીસ
ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં કેનેડા પોલીસે કહ્યું છે કે કેસની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. હજુ વધુ પુરાવાની શોધ ચાલુ છે. તપાસ ટીમના પ્રવક્તા સાર્જન્ટ ટિમોથી પિરોટીએ કહ્યું હતું કે, 'ઘટનાના 3 મહિના બાદ પણ કોઈ ધરપકડ કરવામાં આવી નથી. 16 ઓગસ્ટ પછી તપાસ અંગે કોઈ અપડેટ નથી.
કેનેડાની તપાસ એજન્સીએ હત્યામાં સામેલ કારનો ફોટો જાહેર કર્યો
કેનેડિયન તપાસ એજન્સી ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT)એ ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાની શંકાસ્પદ કારની ઓળખ કરી છે અને તેનો ફોટોગ્રાફ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) કેનેડાનું સૌથી મોટું હોમિસાઈડ યુનિટ છે જે હત્યા, શંકાસ્પદ મૃત્યુ અને ઉચ્ચ જોખમ ધરાવતા ગુમ થયેલા વ્યક્તિઓની તપાસ કરે છે. એજન્સી એવા કેસોની તપાસ કરે છે જેમાં કંઈક ગડબડ થઈ હોવાની શંકા હોય.

ત્રીજો શકમંદ નિજ્જરની હત્યામાં સામેલ હતો
તમને જણાવી દઈએ કે હરદીપ સિંહ નિજ્જર'ખાલિસ્તાની ટાઈગર ફોર્સ' સિવાય શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ની કેનેડિયન શાખાના વડા પણ હતા. તેની સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે કેટલાક અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
તપાસકર્તાઓ હવે માને છે કે તેઓએ તે વાહનને ઓળખી કાઢ્યું છે જે 121મી સ્ટ્રીટ અને 68મી એવન્યુના વિસ્તારમાં શંકાસ્પદ લોકોની રાહ જોઈ રહ્યું હતું. વાહનની ઓળખ સિલ્વર 2008 ટોયોટા કેમરી તરીકે કરવામાં આવી છે. તપાસ ટીમના પ્રવક્તા સાર્જન્ટ ટિમોથી પિરોટીએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આ વાહનનો ડ્રાઈવર હત્યા પહેલા અને સમયે 121મી સ્ટ્રીટમાં કેમરીમાં બે શકમંદોની રાહ જોઈ રહ્યો હતો. આ સાથે તપાસકર્તાઓએ હવે પુષ્ટિ કરી છે કે હત્યામાં ત્રીજો શંકાસ્પદ પણ સામેલ હતો.