•  પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાનમાં અફઘાનિસ્તાનના પાંચ નાગરિકોની ક્રૂર હત્યા
  • અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં સુધારા પહેલા આ ઘટનાથી સંબંધો વણસે તેવી શક્યતા
  • અફઘાનિસ્તાન દૂતાવાસે નાગરિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપ્યા


પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના પાંચ નાગરિકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. બંને દેશ વચ્ચે પહેલાથી જ સંબંધો સારા નથી ત્યારે આ ઘટના પછી બંને દેશના સંબંધોમાં વધુ કડવાશ ભળી જશે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના દુલબંદિન શહેરની એક કૉલેજ પાસે વીજળીના પોલ પર પાંચ અફઘાન નાગરિકોના મૃતદેહ લટકતા મળ્યા હતા. આને લઈ પાકિસ્તાનમાં આવેલા કાબુલના દૂતાવાસે એક નિવેદન જાહેર કર્યું છે.

ગત અઠવાડિયે પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાનની કૉલેજમાં પાંચ અફઘાનિસ્તાની નાગરિકોને ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓના મૃતદેહ થાંભલા પર લટકાવી દેવાયા હતા. અફઘાનિસ્તાન દૂતાવાસે તમામ મૃતદેહોને પરિવારજનોને સોંપી દીધા છે.

પાકિસ્તાનમાં આ રીતે અફઘાની નાગરિકોની થયેલી ક્રૂરતાપૂર્વક હત્યા પછી તાલિબાન ગુસ્સામાં છે. બંને દેશ વચ્ચે અગાઉથી તણાવની સ્થિતિ છે ત્યારે આ ઘટનાથી બંને દેશની વચ્ચે તણાવ વધારો થઈ શકે છે.

આ આતંકવાદી જૂથ પર આરોપ

પાકિસ્તાનનું બલૂચિસ્તાન ભલે સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે પરંતુ આ પ્રાંતમાં ઘણા આતંકવાદી સંગઠનો છે. આ પ્રાંતમાં ત્રણ દેશ ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઘેરાયેલું છે. બલૂચિસ્તાન ભૂમિ ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટા પ્રાંત છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછો છે. ઈરાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશઅ-અલ-અદલ ઉપર પાંચ અફઘાન નાગરિકોની હત્યા કરવાનો આરોપ લાગી રહ્યો છે.

 પરિવારજનોને સોંપાયા મૃતદેહ

અફઘાનિસ્તાન તરફથી કહેવાયું છે કે, કેટલાક અજાણ્યા લોકોએ પાંચ અફઘાનિસ્તાન નાગરિકોની ક્રૂરતાથી હત્યા કરી નાખી છે. મૃતદેહોને તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જૈશ-અલ-અદલના પોતાના પ્રમુખ નેતા મુરાદ નોટેજઈની હત્યાનો બદલો લીધો છે. મુરાદની હત્યાથી આતંકવાદી સંગઠન ખિજાઈ ગયેલી સ્થિતિમાં હતું. જેથી તેને પાંચ અફઘાનિસ્તાન નાગરિકોનાં અપહરણ કરી તેઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.