યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સંરક્ષણ મંત્રીને મળ્યા રાજનાથ સિંહ


કાર્ડેરેક ખાતે નેવલ સરફેસ વોરફેર સેન્ટરની મુલાકાત લીધી

 'રિમ ઓફ ધ પેસિફિક'માં ભારતની ભાગીદારીને પણ પ્રકાશિત કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને મળ્યા અને પરસ્પર હિતની "મહત્વપૂર્ણ" વ્યૂહાત્મક બાબતો પર તેમના મંતવ્યો શેર કર્યા. ભારત અને યુએસએ તેમની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપવા માટે બે મોટા કરારો પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ બાદ આ બેઠક આવી છે. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરવા અને એકબીજાના અનુભવોનો લાભ લેવા આતુર છે. તેમણે શનિવારે મેરીલેન્ડમાં ટોચના યુએસ નેવલ સરફેસ વોરફેર સેન્ટરની મુલાકાત લીધા બાદ આ ટિપ્પણી કરી હતી.

રાજનાથ સિંહનો ચાર દિવસીય અમેરિકાનો પ્રવાસ

અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રાજનાથ સિંહ યુએસની ચાર દિવસીય મુલાકાતે છે. 'કાર્ડેરેક ખાતે નેવલ સરફેસ વોરફેર સેન્ટરની મુલાકાત લીધી અને આ કેન્દ્ર પર હાથ ધરવામાં આવતા મહત્વપૂર્ણ પ્રયોગો જોયા,' તેમણે 'X' પરની પોસ્ટમાં જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, 'ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરવા અને એકબીજાના અનુભવોનો લાભ લેવા ઇચ્છુક છે.'

લોયડ ઓસ્ટિનને મળ્યા રાજનાથ

આ પહેલા મુલાકાત દરમિયાન રાજનાથ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનને મળ્યા હતા. રાજનાથ સાથેની મુલાકાત દરમિયાન ઓસ્ટીને યુએસ-ભારત સંબંધોમાં થઈ રહેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે સેનાઓ વચ્ચે નિર્ણાયક સપ્લાય ચેઈનને મજબૂત કરવાના પ્રયાસો સહિત વિવિધ સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતા સહકારની નોંધ લીધી.

'રિમ ઓફ ધ પેસિફિક'માં ભારતની ભાગીદારીને પ્રકાશિત કરી

ઓસ્ટિને કહ્યું, 'અમે એક મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનને શેર કરીએ છીએ અને અમારો સંરક્ષણ સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે. અમે અમારા સંરક્ષણ ઉદ્યોગ સંબંધોને વિસ્તારી રહ્યા છીએ અને સહ-ઉત્પાદન અને સપ્લાય ચેનને મજબૂત કરવા પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બંને દેશોએ તમામ ક્ષેત્રોમાં ઓપરેશનલ સહયોગ વધાર્યો છે, જ્યારે હવાઈમાં યુએસ નેવીની આગેવાની હેઠળની કવાયત, જેમાં 29 દેશોએ ભાગ લીધો હતો, 'રિમ ઓફ ધ પેસિફિક'માં ભારતની ભાગીદારીને પણ પ્રકાશિત કરી હતી.

સહકારમાં માનવીય પ્રયાસોના તમામ ક્ષેત્રોનો સમાવેશ

રાજનાથે કહ્યું કે વધતા સહકારમાં માનવીય પ્રયાસોના તમામ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાને એક કોન્ફરન્સમાં અમેરિકન સંરક્ષણ કંપનીઓના ટોચના નેતૃત્વ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાગીદારી અને સંયુક્ત પ્રયાસો એ બે શબ્દો છે જે અન્ય દેશો સાથે ભારતની સંરક્ષણ ઉદ્યોગ ભાગીદારીનું વર્ણન કરે છે.

  • Follow us on: