- પાકિસ્તાન સાથે નથી રહેવું તેવા નારા સાથે હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા
- PoKના લોકોની PoKને ભારતના લદાખ સાથે ભેળવવાની માગણી
- ભેદભાવપૂર્ણ વર્તનને કારણે PoKના લોકોમાં પાક. સરકાર સામે રોષ
પાકિસ્તાન સરકાર નાદારીનાં આરે આવીને ઊભી છે. સરકાર પાસે 3 અઠવાડિયા ચાલે તેટલું પણ વિદેશી હૂંડિયામણ નથી. મોંઘવારીએ માઝા મૂકી છે. લોકોને બે ટંક ખાવા માટે લોટની તીવ્ર અછત છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આવા સમયે PoKનાં ગિલગિટ, બલુચિસ્તાન અને બાલ્ટિસ્તાનમાં રહેતા લોકોએ પાક. સરકાર સામે બળવાનો બૂંગિયો ફૂંક્યો છે. PoKમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે તેમણે PoKને ભારત સાથે જોડવાની બુલંદ માગણી કરી છે.
ભારત સાથે જોડાવા PoKમાં લોકો જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પાકિસ્તાન સાથે નથી રહેવું તેવી નારાબાજી સાથે પાક. સરકારનો વિરોધ કરી રહ્યા છે. વર્ષોથી પાક. સરકારનાં ભેદભાવપૂર્ણ વર્તનને કારણે તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તેમનો ગુસ્સો ભભૂકી ઊઠયો છે. પાકિસ્તાન દ્વારા વર્ષોથી તેમનું શોષણ કરાઈ રહ્યું હોવાનાં આક્ષેપો કરાયા છે. ઉગ્ર રોષ સાથે તેઓ PoKને ભારતના લદાખ સાથે ભેળવવાની માગણી કરી રહ્યા છે. પાક. સરકાર સામે આક્રમક વિરોધ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.










