ડેનમાર્ક દેશની રાજધાની કોપનહેગનમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે બોમ્બ વિસ્ફોટ થતા ચકચાર મચી ગઈ છે. વિસ્ફોટો પછી ઘટનાસ્થળે ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સુરક્ષાને લઈ આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. ડેનમાર્ક પોલીસે આ વિસ્ફોટની સઘન તપાસ શરૂ કરી દીધી છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા
જોવાની વાત એ છે કે ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસની નજીક બ્લાસ્ટ એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. જોકે, ઈરાન સાથેના સંઘર્ષ સાથે ડેનમાર્કની ઘટનાનો કોઈ સંબંધ બહાર આવ્યો નથી. ડેનિશ પોલીસે કહ્યું છે કે વિસ્ફોટો અંગે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. બ્લાસ્ટની તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી હતી
ઈરાને ઈઝરાયેલ પર ઝડપી મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાન દ્વારા લગભગ 200 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. આ પહેલા ઈઝરાયેલે લેબનોનમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. ઈરાન-ઈઝરાયલ તણાવે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં સ્થિતિ ખૂબ જ નાજુક લાગે છે.
ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો
આ અગાઉ મંગળવારે ઇઝરાયેલે મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. ગયા વર્ષે ઑક્ટોબરથી અત્યાર સુધીમાં ગાઝામાં 41 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.










