- સ્પેશિયલ ટ્રેનથી કિમ જોંગ ઉત્તર કોરિયા પરત ફર્યા
- કોરિયાને રશિયા તરફથી ભેટમાં બુલેટપ્રુફ જેકેટ મળ્યું
- આ ભેટ એ પશ્ચિમી દેશોની ચિંતામાં વધુ વધારો કર્યો
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રશિયાની એક સપ્તાહ લાંબી મુલાકાત બાદ પોતાના દેશ પરત ફર્યા છે. પોતાની સ્પેશિયલ ટ્રેનમાં રશિયા ગયેલા કિમ જોંગને ઉત્તર કોરિયા પરત ફરતી વખતે કેટલીક ખાસ ભેટ પણ મળી હતી. આ ભેટોમાંથી બુલેટપ્રુફ જેકેટ અને ડ્રોન મળી આવ્યા હતા. આ ભેટોએ પશ્ચિમી દેશોની ચિંતામાં વધુ વધારો કર્યો છે.
કિમ જોંગે રશિયાની મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ શક્યતા વધી ગઈ છે કે ઉત્તર કોરિયા યુક્રેન પર હુમલામાં મદદ કરવા માટે રશિયાને હથિયાર આપી શકે છે.

કિમ જોંગ ભાગ્યે જ વિદેશ પ્રવાસ કરતા જોવા મળે છે. રશિયામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના મોટાભાગના પ્રવાસ દરમિયાન કિમ જોંગ સૈન્ય સ્થળોની મુલાકાત લેતા હતા. ઉત્તર કોરિયા ભારે પ્રતિબંધો હેઠળ છે તેથી તેને ઉર્જાથી લઈને ખાદ્યપદાર્થો અને સૈન્ય તકનીક સુધીની દરેક વસ્તુની જરૂર છે.
કિમને રશિયા તરફથી આ ખાસ ભેટ મળી
રશિયન રાજ્ય મીડિયા અનુસાર, કિમ જોંગને પૂર્વીય રશિયન પ્રદેશ પ્રિમોરીના ગવર્નર દ્વારા બુલેટપ્રૂફ જેકેટ અને ડ્રોનનો સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ જેકેટ છાતી, ખભા, ગરદન અને કમર પર રક્ષણ પૂરું પાડે છે. તે અન્ય સિક્યોરિટી જેકેટ્સ કરતાં વજનમાં હલકું છે. કિમને તે જ પ્રદેશમાં બનાવેલા પાંચ કેમિકેઝ ડ્રોન તેમજ ગેરેનિયમ-25 એરક્રાફ્ટ ટાઇપ રિકોનિસન્સ ડ્રોન પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. આ સિવાય તેમને ખાસ કપડાંનો સેટ પણ ભેટમાં આપવામાં આવ્યો હતો જે થર્મલ ઇમેજિંગ કેમેરાથી અદ્રશ્ય છે.
કિમ જોંગને ભવ્ય વિદાય આપવામાં આવી
અહેવાલ અનુસાર, કિમ જોંગને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. તેમના માટે આયોજિત વિદાય સમારંભમાં રેડ કાર્પેટ અને ઓનર ગાર્ડનો સમાવેશ થાય છે. ત્યાર બાદ કિમ આર્ટેમ રેલવે સ્ટેશનથી પોતાની સ્પેશિયલ આર્મર્ડ ટ્રેનમાં ઉત્તર કોરિયા જવા રવાના થયા હતા. રશિયન અધિકારીઓએ તેને વિદાય આપી હતી. ઉત્તર કોરિયાનું સરહદી શહેર ખાસાન આર્ટેમથી 200 કિલોમીટર દૂર છે.
કિમે રશિયાને સમર્થન આપ્યું
કિમ અને પુતિન બુધવારે મળ્યા હતા અને વોસ્ટોચની કોસ્મોડ્રોમ સ્પેસપોર્ટ પર પાંચ કલાક લાંબી બેઠક યોજી હતી જેમાં પુતિને કહ્યું હતું કે કિમે ખૂબ રસ દાખવ્યો હતો અને ઉત્તર કોરિયાએ સ્પેસ ટેક્નોલોજીને પ્રાથમિકતા આપી છે. તે જ સમયે, વાતચીત બાદ કિમે પુતિનને પોતાનું સમર્થન આપ્યું અને કહ્યું હતું હું હંમેશા રશિયા સાથે ઉભો રહીશ. પુતિને કિમ સાથેની બેઠકને ખૂબ જ નક્કર ગણાવી હતી. જોકે, બંને દેશો વચ્ચે કોઈ ડીલ જાહેરમાં કરવામાં આવી નથી.