• અમેરિકામાં રાષ્ટ્રપતિના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં ગોળીબાર
  • ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ લિંકન, કેનેડી, ગેરાલ્ડ ફોર્ડ, રિગન પર પણ હુમલા થયા છે
  • ટ્રમ્પ પહેલા ઘણા રાષ્ટ્રપતિ અને ઉમેદવારો પર હુમલા થઈ ચુક્યા છે

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો છે. ટ્રમ્પ શનિવારે સાંજે પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન 25 વર્ષીય એક શૂટરે તેમની પર ગોળી ચલાવી હતી. જો કે ગોળી ટ્રમ્પના કાનને અડીને નીકળી ગઈ અને તેઓ આબાદ રીતે બચી ગયા હતા. 

ટ્રમ્પને હવે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. આ જીવલેણ હુમલા પછી ટ્રમ્પે પોતાના પ્રથમ નિવેદનમાં કહ્યું કે તેઓ ઠીક છે અને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મારા જમણા કાનના ઉપરના ભાગે ગોળી વાગી. ગોળી વાગતા કાનને ચીરતી નીકળી ગઈ. જો કે સિક્રેટ સર્વિસના સ્નાઈપરોએ શૂટરને ત્યાં જ ઠાર મારી દીધો હતો. 

જો આ પ્રથમ ઘટના નથી કે અમેરિકામાં કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર જીવલેણ હુમલો કરાયો હોય. આ અગાઉ પણ અમેરિકામાં રાજકીય હસ્તીઓની હત્યા થઈ ચુકી છે. અબ્રાહમ લિંકન, જેમ્સ ગારફીલ્ડ અને વિલિયમ મેકકિનરેની હત્યા પછી વર્ષ-1901માં સિક્રેટ સર્વિસને અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. 
 
 
 એંડ્ર્યુ જેક્શન
અમેરિકામાં વર્ષ-1835માં રિચર્ડ લોરેન્સે કેપિટલ ઈમારત બહાર રાષ્ટ્રપતિ જેક્શનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ એક અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. રાષ્ટ્રપતિ જેક્શન પર બે ગોળી ચલાવી પરંતુ ગોળી વાગી નહીં અને તેઓ આબાદ રીતે બચી ગયા હતા.

અબ્રાહમ લિંકન
અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને 1865માં 14મી એપ્રિલે વોશિંગ્ટનના એક થિયેટરમાં ગોળી મારી દેવામાં આવી હતી. આની પહેલા 1861 અને 1864માં તેઓની હત્યાના બે પ્રયાસો થયા હતા. હુમલા પછી બે અઠવાડિયા ચાલેલી તપાસ અભિયાન પછી આરોપીને ઠાર મરાયો હતો.

જેમ્સ ગારફિલ્ડ
અમેરિકાના રાષ્ટ્રપતિ ગારફિલ્ડને 1881ની બીજી જુલાઈએ વોશિંગ્ટન ડીસીના બાલ્ટિમોર અને પોટોમેક રેલવે સ્ટેશન પર ગોળી મારવામાં આવી હતી. હુમલા પછી બે મહિના પછી 19 સપ્ટેમ્બરે તેઓનું મોત થયું હતું. રાષ્ટ્રપતિની હત્યા માટે લેખક અને વકીલ ચાર્લ્સ ગુઉટેઈને ગુનાના દોષિત ઠેરવવામાં આવ્યા અને મોતની સજા ફટકારવામાં આવી હતી.
 
 ફ્રેકલિન રૂઝવેલ્ટ
ટ્રમ્પની જેમ જ ફ્રેકલિન ડી રૂઝવેલ્ટ પર વર્ષ-1912માં ચૂંટણી સભામાં હુમલો થયો હતો. ચાલુ સભામાં ગોળી મારી છતાં ભાષણ ચાલુ રાખ્યું. જો કે વિધિની વક્રતા એ રહી કે તેઓ વુડ્રો વિલ્સન સામે ચૂંટણી હારી ગયા અને બાદમાં 1933માં રાષ્ટ્રપતિ પદ પર રહેતા પણ હત્યાનો પ્રયાસ કરાયો હતો.

જોન એફ. કેનેડી
અમેરિકામાં આવેલા ટેક્સાસના ડલાસમાં વર્ષ-1963ની 22 નવેમ્બરે રાષ્ટ્રપતિ કેનેડીની ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યાના આરોપીને બે દિવસ પછી એક હોટલના માલિકે હત્યા કરી હતી. આરોપીએ આની પહેલા પણ અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ.કેનેડીની કારને બોમ્બથી ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનું કાવતરું નિષ્ફળ નીવડયું હતું.

ગેરાલ્ડ ફોર્ડ
કેલિફોર્નિયામાં અમેરિકી રાષ્ટ્રપતિ ગેરાલ્ડ ફોર્ડની હત્યાના બે પ્રયાસ થયા હતા. બંને પ્રયાસમાં હુમલાખોર મહિલાઓ હતી.

 રોબર્ટ એફ કેનેડી
વર્ષ-1968માં અમેરિકાના લોસ એંજેલ્સમાં ડેમોક્રેટિક પ્રાયમરીના ઉમેદવાર કેનેડીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપીને જનમટીમની સજા ફટકારવામાં આવી હતી.

રોનાલ્ડ રિગન
ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગનને વર્ષ-1981માં 30મી માર્ચે વોશિંગ્ટનની એક હોટલની બહાર ગોળી મારવામાં આવી હતી. આરોપીએ રાષ્ટ્રપતિ રિગન પર કુલ છ ગોળીઓ છોડી હતી. જેમાં રિગન અને બીજા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઈમરજન્સી સર્જરી પછી તેઓ ઠીક થયા હતા. આ જીવલેણ હુમલા પછી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ
આ અગાઉ પણ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ થયો હતો. વર્ષ-2016માં એક અભિયાન દરમિયાન ટ્રમ્પની રેલીમાં 20 વર્ષીય શખ્સે પોલીસની બંદૂક આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને જણાવ્યું કે તે ટ્રમ્પને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
  • Follow us on: