અમેરિકામાં પ્રચંડ મતથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ચુકેલા ડોનાલ્ડ ટ્રમ્પના ફરી પરત ફરવાથી વિશ્વમાં ઘણા પરિવર્તનની આશા વધી છે. અમેરિકામાં આગામી વર્ષે જાન્યુઆરીમાં સત્તા પરિવર્તન થશે અને આની અસર વિશ્વની ઘણી પોલિસી પર પડશે પરંતુ સૌથી વધુ ફાયદો ભારતના સામાન્ય લોકોને થઈ શકે છે, કારણ કે, તેને સસ્તું પેટ્રોલ અને ડીઝલની ભેટ મળી શકે છે.
ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ફરી પરત આવવાથી વિશ્વમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધશે. આ કારણે તેની કિંમતો નીચે આવવાની આશા છે અને ભારતને તેનો પૂરો ફાયદો મળવાનો છે.
ક્રૂડ ઓઈલનો પુરવઠો વધશે
દેશના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધશે. અમેરિકાથી પણ ઘણું ક્રૂડ ઓઈલ માર્કેટમાં આવશે. અમેરિકા અત્યારે 13 લાખ બેરલ પ્રતિ દિવસના દરે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. એવું માનવામાં આવે છે કે ઉત્પાદનમાં દરરોજ 1 મિલિયન બેરલનો વધારો થશે, અને મારા પર વિશ્વાસ કરો, ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી આ ચોક્કસપણે થશે.
જો અમેરિકાનું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન અને નિકાસ વધે તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ ઘટશે. ચીનની માંગમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધવાથી તેની કિંમતો પહેલાથી જ થોડી નરમ પડી છે.
કિંમતો આટલી ઘટી શકે છે
મળતી માહિતી અનુસાર, ક્રૂડ ઓઈલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ ભારત અને વિશ્વ માટે ઘણું સારું રહેશે. જોકે, યુરોપમાં રશિયા અને યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ અને તેલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદનમાં કાપની ક્રૂડ ઓઈલના ભાવ પર સામાન્ય અસર થઈ શકે છે.
આમ તો ડોનાલ્ડ ટ્રમ્પના ફરી આગમનને લીધે એવી આશા મજબૂત થઈ છે કે, તે યુક્રેન અને રશિયાની વચ્ચે તણાવ ઉકેલવામાં અગત્યની ભૂમિકા ભજવી શકાશે. ઉપરાંત ઈઝરાયલની સ્થિતિને પણ સંભાળવાનું કામ કરી શકે છે. જો આવું થાય તો વિશ્વમાં સ્થિતિ ઝડપથી બદલતી જોવા મળશે.










