અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને યુ-ટર્ન લીધો છે. રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ માટે રોકવાના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ચિપ્સ વગેરે ઈલેક્ટ્રોનિક્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી છૂટ આપી છે. આ નિર્ણયથી અમેરિકાના લોકોને રાહત મળશે, કારણ કે આ વસ્તુઓની કિંમતો હવે નહીં વધે. આ ઉપરાંત આ નિર્ણયથી એપલ અને સેમસંગ જેવી મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓે ફાયદો થઈ શકે છે.
અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને શુક્રવારે મોડી રાત્રે કેટલીક વસ્તુઓને ટેરિફમાંથી છૂટ આપવા અંગે એક નોટિસ જાહેર કરી છે. તે મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે મોબાઈલ ફોન, કમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક સામાનને ટેરિફમાંથી છૂટ આપી દીધી છે. આનો અર્થ એ થયો કે ટ્રમ્પ દ્વારા ચીન પર લગાવવામાં આવેલા 125 ટકાના ટેરિફ અને અન્ય દેશો પર લગાવવામાં આવેલા 10 ટકાના ટેરિફમાંથી હવે કેટલાક ઇલેક્ટ્રોનિક સામાનને છૂટ મળશે.













