અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ 20 જાન્યુઆરી 2025થી શરૂ થશે. વ્હાઈટ હાઉસમાં તેઓ અમેરિકાના લોકોના વોટના દમે પહોંચ્યા છે. તો તેઓની પર મતદાતાઓને કરેલા વાયદા પૂર્ણ કરવાનું દબાણ રહેશે. અમેરિકી મતદાતાઓના દબાણ દુનિયામાં ઘણું બદલી નાખશે. વિશેષ કરીને આર્થિક, રણનીતિ, કૂટનીતિક મોરચા પર. આ તમામ પર ટ્રમ્પ શું કરવાના છે તેનો ઈશારો તેઓએ જીત બાદ પોતાના પ્રથમ ભાષણમાં આપ્યો. લોકોને સંબોધન કરતા કહ્યું કે, હું યુદ્ધ રોકવા જઈ રહ્યો છું, હવે કોઈ યુદ્ધ નથીં થવા દેવામાં આવે. તેઓએ પોતાના ગત કાર્યકાળને યાદ કરતા કહ્યું કે, અમે ચાર વર્ષમાં કોઈ યુદ્ધ નથી લડયા. જો કે, આઈએસઆઈએસને હરાવ્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ 31 મહિનાથી યથાવત્
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી વર્ષ-2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયાના આક્રમણ સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી. આ યુદ્ધને 31 મહિના થઈ ગયા છે. ટ્રમ્પે યુક્રેન પર રશિયાના હુમલા માટે રાષ્ટ્રપતિ જો બાઈડેનને જવાબદાર ઠેરવીને ચૂંટણી જીતી હતી. આ સિવાય તે નાટો પર પણ નિશાન સાધી રહ્યા છે.
નાટોના સભ્ય હોવાના કારણે અમેરિકાની જવાબદારી છે કે તે તેના અન્ય સભ્યોની મદદ માટે આગળ આવે. નાટોની કલમ-5 મુજબ, જો કોઈ દેશ નાટોના કોઈપણ સભ્ય પર હુમલો કરે છે, તો તે તમામ સભ્યો પર હુમલો માનવામાં આવે છે. અમેરિકાએ જાપાન અને દક્ષિણ કોરિયા સાથે પણ આવી જ સંધિઓ કરી છે. અમેરિકાના નેતૃત્વમાં નાટોએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને સૈન્ય અને આર્થિક મદદ કરી છે.
યુક્રેનને મળતી સહાયમાં ઘટાડો થશે!
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત બાદ સંકેત આપ્યો છે કે તેઓ યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરશે અને કીવ પર રશિયાની શરતો અનુસાર શાંતિ પ્રક્રિયા અપનાવવા દબાણ કરશે. મોટી સંસ્થાઓને શક્તિ અને પ્રભાવ પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મ તરીકે જોવાને બદલે ટ્રમ્પ તેમને જોખમ અને બોજનું કારણ માને છે.
એવું માનવામાં આવે છે કે યુક્રેનને અમેરિકા તરફથી મળતી સહાયમાં ઘટાડો થઈ શકે છે. નાટોને પહેલેથી જ ડર છે કે જો ટ્રમ્પ જીતશે તો અમેરિકા તરફથી નાટોના બજેટમાં મોટાપાયે કાપ આવશે.
ટ્રમ્પની જીત બાદ નાટોમાં સામેલ યુરોપિયન દેશો પર દબાણ વધશે. 32માંથી 9 દેશો માટે તે મુશ્કેલ હોઈ શકે છે, જે નાટોમાં તેમના જીડીપીના 2 ટકા ખર્ચ કરતાં નથી. ટ્રમ્પ જર્મનીમાંથી તેમના 12,000 સૈનિકોની ફોર્સ હટાવવા પર વિચાર કરી શકે છે. ટ્રમ્પ પોતાના સૈન્ય મથકને જર્મનીમાં અન્ય જગ્યાએ શિફ્ટ કરી શકે છે. ટ્રમ્પ જર્મનીમાંથી પોતાનો આર્ટિલરી બેઝ પણ હટાવી શકે છે.
ઝેલેન્સકી પર દબાણ?
ચૂંટણી જીતતા પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને જલ્દી ખતમ કરી શકે છે. આવી સ્થિતિમાં ઝેલેન્સ્કી માટે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે ટ્રમ્પ તેમના પર રશિયા સાથે સમજૂતી કરવાનું દબાણ કરી શકે છે. યુક્રેન પરના યુદ્ધને સમાપ્ત કરવા માટે છૂટ આપવા માટે ઝેલેન્સકી પર દબાણ વધી શકે છે. રશિયા અને અમેરિકાના સંબંધોમાં સંભવિત સુધારાને કારણે યુદ્ધના સમીકરણો બદલાઈ શકે છે અને આવી સ્થિતિમાં યુક્રેનને યુદ્ધવિરામ માટે સમાધાન કરવું પડી શકે છે.