• આ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.7 થી 7 ટકા રહેવાની સંભાવના

  • ચીને આ વર્ષે વિકાસ દર લક્ષ્યાંક પાંચ ટકા રાખ્યો
  • વિશ્વ બેન્કના અનુસાર વૃદ્ધિ દર 4.3 ટકા રહી શકે છે

ચીનની ખરાબ નીતિઓને કારણે તેનું અર્થતંત્ર 50 વર્ષ પાછળ ધકેલાઇ ગયું છે. કેટલાય દાયકાઓમાં પહેલીવાર ચીનનો આર્થિક વિકાસદર ઘટીને 3 ટકાને તળિયે નોંધાયો છે. રવિવારે શી જિનપિંગની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચીનની સરકારે આ વર્ષે વિકાસ લક્ષ્યાંક પાંચ ટકા રાખ્યો છે. આ લક્ષ્યાંક પણ ખુબ નીચું કહી શકાય. જોકે વિશ્વ બેન્કનું અનુમાન છે કે આ વર્ષે વૃદ્ધિદર 4.3 ટકા રહી શકે છે. ચીને વર્ષ 2022 માટે 5.5 ટકા વૃદ્ધિદરનું લક્ષ્યાંક રાખ્યું હતું પરંતુ 3 ટકા વૃદ્ધિદર જ હાંસલ કરી શક્યું છે. ભારતની વાત કરવામાં આવે તો વિશ્વભરની એજન્સીઓનું માનવું છે કે આ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.7 થી 7 ટકા રહી શકે છે.

ચીન 50 વર્ષ જૂના અર્થતંત્રમાં પાછું ફર્યું

ચીન 50 વર્ષ જૂની અર્થવ્યવસ્થામાં પાછું ફર્યું છે. 1974માં ચીનનો આર્થિક વિકાસદર 2.3 ટકા હતો. હવે વર્ષ 2022માં ચીનનો વિકાસદર ત્રણ ટકા રહ્યો છે. તમામ મુશ્કેલ સ્થિતિ છતાં ચીન પોતાની અક્કડ છોડતું નથી. પીપલ્સ કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'મોટી મુશ્કેલીઓ અને પડકારો પર કાબૂ મેળવ્યા છતાં આપણે સમગ્ર આર્થિક દેખાવ જાળવવામાં સફળ રહ્યા છીએ.'

રાષ્ટ્રપતિ જિનપિંગનો કાર્યકાળ ત્રીજી વખત વધશે

ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસની વાર્ષિક બેઠક રવિવારથી શરૂ થઈ ગઈ છે. જેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજર રહ્યા હતા. તેમનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ ત્રીજી વખત વધારવામાં આવશે. માનવામાં આવે છે કે જિનપિંગ દ્વારા ચીનનાં પીએમ બદલવામાં આવશે અને કેટલાક પ્રધાનોને કેબિનેટમાંથી હટાવવામાં આવશે. આવા મહત્ત્વનાં ફેરફાર પછી વિશ્વમાં ચીન વધુ મજબૂત બનીને બહાર આવે તેવી સંભાવના છે.

ભારત સતત આગેકૂચ કરી રહ્યું છે

બીજી તરફ ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે. એક અનુમાન મુજબ વર્ષ 2023માં ભારતનો વિકાસદર 6.7 થી 7 ટકા રહી શકે છે. વર્ષ 2022માં ભારતનો આર્થિક વિકાસ દર 8.7 ટકા રહ્યો હતો.


  • Follow us on: