• અફઘાનિસ્તાનમાં 10 તો પાકિસ્તાનમાં 13નાં મૃત્યુ

  • ઉત્તર ભારત અને ચીન તાઝિકિસ્તાન સહિતના પાડોશી દેશોમાં પણ ધરા ધ્રૂજી
  • અફઘાનિસ્તાનમાં મંગળવારે રાતે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા

અફઘાનિસ્તાનમાં મંગળવારે રાતે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. 6.8ની તીવ્રતાના ભૂકંપના શક્તિશાળી આંચકાએ અફઘાનિસ્તાનમાં જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચાડયું છે. દેશમાં વિવિધ દુર્ઘટનાઓએ 10 લોકોનો ભોગ લીધો હતો તો 50 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં ફાયઝાબાદથી 77 કિ.મી.ના અંતરે દક્ષિણ-પૂર્વમાં 180 કિ.મી. ઊંડે પેટાળમાં ભૂકંપ એપિસેન્ટર નોંધાયું છે. ભૂકંપ સમયે અફઘાનિસ્તાનમાં અનેક પરિવાર ફારસી નવ વર્ષ નવરોઝની ઉજવણી કરી રહ્યા હતા. લોકો જૂતા-ચપ્પલ પહેર્યા વિના જ બાળકોને લઈને ઘર બહાર દોડી ગયા હતા.

આ દરમિયાન પાકિસ્તાન,ચીન સહિતના બાકીના દેશોમાં પણ થોડો સમય ધરતી ધ્રૂજતી રહી હતી. પાકિસ્તાનમાં પંજાબ, પખ્તુનખ્વા, ખૈબર અને બલૂચિસ્તાનના વિવિધ શહેરોમાં પણ ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે 13નાં મૃત્યુ નોંધાયા છે તો 150થી વધુ લોકો ઘાયલ થયા છે. પખ્તુનખ્વા પ્રદેશમાં ભૂકંપને કારણે આઠ ઘર અને દીવાલો પડવાને કારણે બે લોકોનાં મૃત્યુ થયા હતા તો છ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે બહરીન-કલામ રોડ અવરધાયો હતો. ક્વેટા અને લાહોરમાં પણ ધરા ધ્રૂજી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાજ શરીફે આપત્તિ પ્રબંધન અધિકારીઓને કોઈ પણ સ્થિતિને સંભાળવા જાગૃત રહેવા સૂચના આપી હતી. આ શક્તિશાળી ભૂકંપને પગલે ભારત, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે 22 જૂનના રોજ અઢી દાયકાનો સૌથી ઘાતક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પત્કિકા પ્રાંતમાં અનુભવાયેલા 5.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ 1,000 લોકોનો ભોગ લીધો હતો અને હજારો લોકો બેઘર થયા હતા. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા સામાન્યપણે અનુભવાતા રહે છે.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઇસ્લામાબાદમાં 6.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વર્ષ 2005માં પાકિસ્તાનમાં અનુભવાયેલા સૌથી વિનાશક ભૂકંપના આંચકાએ 74,000થી વધુ લોકોનો ભોગ લીધો હતો. ગયા મહિને તુર્કી અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં શક્તિશાળી ભૂકંપના આંચકા સંબંધિત દુર્ઘટનાઓમાં 55 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

લોકો ભાગીને ઘરમાંથી બહાર આવ્યા, કુરાન પઢવા લાગ્યા

ટીવી ચેનલ પર પ્રસારિત ફૂટેજ મુજબ ભૂકંપને કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ડરેલા લોકો રસ્તાઓ પર આવી ગયા હતા. રાવલપિંડીના બજારોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટીવી ચેનલ પર પ્રસારિત ફૂટેજ મુજબ ભૂકંપને કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ડરેલા લોકો રસ્તાઓ પર આવી ગયા હતા. રાવલપિંડીના બજારોમાં પણ દોડધામ મચી ગઈ હતી. લોકો જૂતા કે ચપ્પલ પહેર્યા વિના જ પોતાના બાળકોને લઈને ઘર બહાર દોડી ગયા હતા. પાકિસ્તાનના રાવલપિંડી ખાતે તો લોકો પોતાના ઘરની બહાર નીકળીને કુરાન પઢવા લાગ્યા હતા.

ભૂકંપ વચ્ચે પાક. એન્કર સમાચાર વાંચતા રહ્યા

પાકિસ્તાનમાં મંગળવારે રાતે ભૂકંપના આંચકા અનુભવાયા પછી કેટલાક બજારો અને રહેણાક વિસ્તારોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. લોકો જૂતા-ચપ્પલ પણ પહેર્યા વિના બાળકોને લઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભાગદોડના અનેક વીડિયો સામે આવ્યા છે. તે અરસામાં પાકિસ્તાનના પેશાવરના ન્યૂઝ સ્ટુડિયોનો 31 સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભૂકંપના આંચકાને કારણે સમાચાર સ્ટુડિયો અને તેમાં આવેલી વસ્તુઓ ખોફનાક રીતે હલી રહી હતી. પરંતુ એન્કરે સંયમ જાળવીને પોતાનો લાઇવ કાર્યક્રમ જારી રાખ્યો હતો. ટ્વિટર યૂઝરે વીડિયો શેર કરતાં લખ્યું છે કે, 'ભૂકંપ સમયે પશ્તો ટીવી ચેનલ મહશ્રીક ટીવી. બહાદુર એન્કરે ભૂકંપના આંચકા વચ્ચે લાઇવ કાર્યક્રમ જારી રાખ્યો.' વીડિયોમાં જોઈ શકાય છે કે, એન્કરની પાછળ આવેલા ટીવી સ્ક્રીન અને અન્ય ઉપકરણો પણ હલી રહ્યા હતા.

ભારતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા

દિલ્હી- એનસીઆરમાં મંગળવારે રાતે 10:19ના સુમારે ધરતીકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, કાશ્મીર અને પંજાબ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાતે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા દોડધામ મચી ગઈ હતી. જોકે ભૂકંપના આંચકાને કારણે નુકસાનીના કોઈ અહેવાલ નથી. ઉત્તરાખંડના ઉત્તરકાશી ઉપરાંત ચમોલી, ગંગા ઘાટી, યમુનાઘાટી, મસૂરીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરપ્રદેશના મુરાદાબાદ, સહારનપુર, સહારનપુર, શામલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


  • Follow us on: