• નીરવ મોદીની કુલ રૂપિયા 2650 કરોડની સંપત્તિ ઉપર જપ્તીની કાર્યવાહી
  • ભારતમાંથી ભાગેલા અને પ્રત્યાર્પણ કેસ હારી ચૂકેલા નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે
  • નીરવ મોદીના સાથીઓની સંપત્તિઓ પણ જપ્ત કરાઈ છે

ઇડી દ્વારા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સામે મની લોન્ડરિંગ કેસમાં થઇ રહેલી તપાસમાં એજન્સીએ તેની સાથે સંકળાયેલી હોંગકોંગમાં આવેલી કંપનીના ઝવેરાત, હીરા અને બેન્ક થાપણો સહિત રૂપિયા 253.62 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. આ સાથે જ નીરવ મોદી સામેના મની લોન્ડરિંગ કેસમાં ઇડી અત્યારસુધીમાં રૂપિયા 2650.07 કરોડની સંપત્તિ પર ટાંચ કે જપ્તીની કાર્યવાહી કરી ચૂકી છે.

નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે. ભારતે તેના પ્રત્યાર્પણ માટે કરેલી અરજી સામેની લડાઇ નીરવ મોદી હારી ગયા છે. સીબીઆઇ પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલા બે અબજ ડોલરના કૌભાંડ કેસની તપાસ કરી રહી હતી.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'પીએમએલએ કાયદા હેઠળની તપાસ દરમિયાન નીરવ મોદીની હોંગકોંગમાં આવેલી પેઢીમાં રહેલી ઝવેરાત અને બેન્ક થાપણો જેવી મિલકતો ધ્યાને આવી હતી. હોંગકોંગ ખાતેની આ પેઢીના ખાનગી વોલ્ટમાં હીરા અને ઝવેરાત પડેલું હતું તો બેન્ક ખાતામાં સિલકો પડેલી હતી. રૂપિયા 253.62 કરોડનું મુલ્ય ધરાવતી આ મિલકતો પીએમએલઅએ કાયદાની કલમ પાંચ હેઠળ જપ્ત કરવામાં આવી છે.'

નીરવ મોદીના સાથીઓની સંપત્તિઓ પણ જપ્ત કરાઈ છે

ઇડી આ પહેલાં નીરવ મોદી અને તેના સહયોગીઓની ભારત અને વિદેશમાં આવેલી રૂપિયા 2396.45 કરોડની સંપત્તિ પર ટાંચ મૂકી ચૂકી છે. એજન્સી ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ હેઠળ નીરવ મોદી અને તેના સહયોગીઓની રૂપિયા 1389 કરોડ જેટલી સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી ચૂકી છે.


  • Follow us on: