- ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વીટ દ્વારા જાહેરાત કરી
- એલોન મસ્કે ટ્વિટર પર કર્યો હતો પોલ
- 52 ટકા લોકોએ ટ્રમ્પના એકાઉન્ટને રિસ્ટોર કરવા કહયું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વિટર પર પાછા ફર્યા છે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વીટ દ્વારા જાહેરાત કરી છે. એક દિવસ પહેલા, મસ્કે ટ્વિટર પર યુઝર્સને પૂછ્યું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ. પોલના પરિણામોની વાત કરીએ તો 52 ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. જ્યારે 48 ટકા લોકો તેનો વિરોધ કર્યો હતો.
એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, "જનતાએ તેનો જવાબ આપી દીધો છે... ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવશે." એલોન મસ્કે ટ્વીટ કરીને યુઝર્સને પૂછ્યું હતું કે શું પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ.
ટ્રમ્પના ટ્વિટર પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતુ. 6 જાન્યુઆરી, 2021 ના રોજ, યુએસ કેપિટલમાં રમખાણો થયા હતા અને તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર ગણવામાં આવ્યા હતા. રમખાણોમાં તેમની ભૂમિકા અંગે અમેરિકામાં પણ તપાસ ચાલી રહી છે. ટ્રમ્પ મોટાભાગે ટ્વિટર દ્વારા તેમના સમર્થકો સાથે વાત કરતા હતા અને આ જ કારણ હતું કે રમખાણો પછી તરત જ તેમના પર સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તેમની સોશિયલ નેટવર્કિંગ એપ ટ્રુથ સોશિયલ (Truth Social) પર એક્ટિવ છે.
એલોન મસ્કે Free Speech પર ભાર મુક્યો
ટ્વિટરના નવા માલિક, એલોન મસ્ક શરૂઆતથી જ Free Speech વિશે ખૂબ જ અવાજ ઉઠાવે છે. ટ્વિટર ખરીદતા પહેલા જ તેમણે આ અંગેની નીતિ સ્પષ્ટ કરી હતી. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિને કોઈપણ ડર વગર ટ્વિટર પર બોલવાનો અધિકાર હોવો જોઈએ. તેમણે જનતાને ટ્રમ્પના એકાઉન્ટને રિસ્ટોર કરવા વિશે એક પ્રશ્ન પૂછ્યો અને 52 ટકા લોકોએ ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવાનું કહ્યું.









