- નિયમોનું પાલન કરો અને જંગલ સફારી ભારે ન પડે તેનું ધ્યાન રાખજો
- ઝામ્બિયાના કાફૂ નેશનલ પાર્કમાં જંગલ સફારી પર કદાવર હાથિનો હુમલો
- હાથિના હુમલામાં અમેરિકાથી આવેલ 80 વર્ષીય ટુરિસ્ટ મહિલાનું થયું મોત
જંગલના જંગલી જાનવરોમાં હાથીને સૌથી સમજદાર જાનવર માનવામાં આવે છે. પરંતુ, ત્યાં સુધી જ જ્યાં સુધી તેને છંછેડવામાં ન આવે. એટલે જ જંગલમાં જતાં પહેલા ટુરિસ્ટ માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. જંગલ સફારી પર જાઓ તો આ નિયમોનું અચૂક પાલન કરવું, નહિતર તમારી સાથે પણ એ જ થશે જે ઝામ્બિયાના કાફૂ નેશનલ પાર્કમાં ટૂરિસ્ટ્સ સાથે થયું. ટૂરિસ્ટ્સ પાર્કમાં જંગલ સફારી કરી રહ્યા હતા. જાનવરોને જોવાનો તેમનો એટલો અતિઉત્સાહ હતો કે તે બૂમો પાડીને જાનવરોને છંછેડવા લાગ્યા. પરંતુ બાદમાં જે થયું તે કલ્પના બહારનું હતું. આ કરૂણ ઘટના એક ટુરિસ્ટ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વિડીયો આફ્રિકન દેશ ઝામ્બિયાના કાફ્યુ નેશનલ પાર્કનો છે. ટૂરિસ્ટ્સનું એક ગ્રુપ લુફુપા રિવર કેમ્પમાં રોકાયું હતું. સવારે આ ગ્રૂપના લોકોએ જંગલ સફારી માટે જવાનું નક્કી કર્યું. તમામ સફારી વાનમાં બેસીને જવા લાગ્યા. થોડે દૂર જતાં રસ્તો બંધ જોવા મળ્યો. બાદમાં ગાઈડ ટૂરિસ્ટ્સને અન્ય રસ્તે લઈ જવા લાગ્યો. આ રસ્તો તેના માટે અજાણ્યો ન હતો, પરંતુ તે એકદમ જોખમી હતો. પ્રવાસીઓને ઘણા પ્રાણીઓ જોવા મળ્યા, જેનાથી તેઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા. જોત જોતામાં તેઓ બૂમો પાડવા લાગ્યા અને આ શોર-બકોર સાંભળીને એક કદાવર હાથી તેમની તરફ દોડતો આવ્યો.
ટૂરિસ્ટ્સના જીવ તાળવે ચોંટયા
ગજરાજને પોતાની તરફ આવતા જોઈને સફારી વાનમાં બેઠેલા ટૂરિસ્ટ્સના જીવ અધ્ધર થઈ ગયા. વિડીયોમાં એક મહિલાની 'ઓહ ગોડ', 'ઓહ ગોડ'ના આક્રંદ સાથે બૂમો પાડતા સાંભળી શકો છો. એક ટુરિસ્ટ કહે છે, 'ઓહ, આ તો ઝડપથી આવી રહ્યો છે’. જેમ જેમ હાથી ઝાડ અને ઝાડીઓ ઓળંગીને તેમની તરફ આવવા લાગે છે ગાઈડ વિચારે છે કે જો તે વાન રોકી દેશે તો હાથી હુમલો નહિ કરે. આમ વિચારીને ગાઈડ વાન તે અટકાવે છે. પરંતુ બાદમાં તે થાય છે જેની ગાઈડે ક્યારેય કલ્પના નહીં કરી હોય. વાન અટકી જતાં હાથી એકદમ નજીક આવી જાય છે અને લોકો ચિચિયારીઓ પાડવા લાગે છે હાથી લોકોના શોર-બકોરથી ખૂબ જ ગુસ્સામાં હતો અને સફારી જીપ પર હુમલો કરી દે છે. હાથીના હુમલામાં સફારી વાન પણ પલટી જાય છે.
હાથીના હુમલામાં 80 વર્ષીય મહિલાનું મોત
ગજરાજનો હુમલો એટલો ખતરનાક હતો કે અમેરિકાની 80 વર્ષીય ટુરિસ્ટ મહિલાનું મોત થઈ ગયું. તેની સાથે અન્ય પાંચ ટુરિસ્ટ પણ હતા જેમાંથી એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અન્ય ચારને નાની-મોટી ઈજાઓ થઈ હતી. હાથીના હુમલામાં ઘાયલ થયેલા ટુરિસ્ટને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રવાસીઓને લઈ જતા ગ્રુપના CEOએ આ ઘટના માટે માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે અમારા તમામ ગાઈડ વેલ ટ્રેઇન્ડ અને અનુભવી છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ વિસ્તાર ઘણો જોખમી હતો અને ગાઈડનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ કારણે તે હુમલાથી બચી ન શક્યો. અમે મોતને ભેટેલ ટુરિસ્ટ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકને અમેરિકા પરત લાવવામાં આવશે. મહત્વનું છે કે, આ પ્રકારની જ એક ઘટનામાં 8 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાના ગૌટેંગ સફારી પાર્કમાં સિંહનું રેકોર્ડિંગ કરતી વખતે 30 વર્ષની અમેરિકન મહિલાનું મૃત્યુ થયું હતું.