• બસના ડ્રાયવરે કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • પુલ પરથી નીચે પડી જતા બસ આગની ઝપટમાં આવી ગઈ
  • સ્થાનિકો અને પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

 દક્ષિણ આફ્રિકાના ઉત્તરી પ્રાંત લિમ્પોપોમાં બસ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 45 લોકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. દક્ષિણ આફ્રિકાના પરિવહન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે લિમ્પોપોના ઉત્તરી પ્રાંતમાં મમતલાકાલા પાસે ભીષણ બસ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 45 લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘટના અંગે માહિતી આપતા પરિવહન વિભાગે જણાવ્યું હતું કે બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું, જે બાદ બસ પુલ પર લાગેલા બેરિયર્સ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બસ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને પુલ પરથી પલટી ગઈ હતી અને આગ લાગી હતી.

ઘટનાની જાણ થતા સ્થાનિકો અને પોલીસ તેમજ ફાયરના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. સરકારના પ્રવકતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેસેન્જર બસ દક્ષિણ આફ્રિકાના લેન્ડલોક દેશ બોત્સ્વાનાથી લોકોને લિમ્પોપોના મોરિયા શહેર તરફ લઈ જઈ રહી હતી. લિમ્પોપોના પરિવહન વિભાગે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ રહી હતી કારણ કે કેટલાક મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા હતા, અન્ય કાટમાળની અંદર ફસાયેલા હતા અને ઘટનાસ્થળે વિખરાયેલા હતા.

  • Follow us on: