- ઈઝરાયેલના હુમલામાં હાનિયા અને તેના બોડીગાર્ડનું મોત થયું હોવાના સમાચાર છે
- 12 કલાકમાં ઈઝરાયેલ દ્વારા આ બીજો મોટો હુમલો છે
- હમાસ અને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે આ વાતની પુષ્ટિ કરી છે
ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. ઈઝરાયેલના હુમલામાં હાનિયા અને તેના બોડીગાર્ડનું મોત થયું હોવાના સમાચાર છે. હમાસ અને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ આ વાતની પુષ્ટિ કરી છે. હમાસે તેના નિવેદનમાં કહ્યું છે કે પેલેસ્ટિનિયન જૂથના નેતા ઈસ્માઈલ હાનિયા તેહરાનના એક ઘરમાં ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. 12 કલાકમાં ઈઝરાયેલ દ્વારા આ બીજો મોટો હુમલો છે.
7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ હાનિયા ક્યારેક કતારમાં તો ક્યારેક ઈરાનમાં છુપાઈ ગયો હતો
આ પહેલા મંગળવારે (30 જુલાઈ) હાનિયાએ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. હાનિયા ઈરાનની કેટલી નજીક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથેના ગ્રુપ ફોટોમાં જોવા મળે છે. જો કે તેને કલ્પના નહોતી કે તે જ રાત્રે તેનું મોત થશે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ હાનિયા ક્યારેક કતારમાં તો ક્યારેક ઈરાનમાં છુપાઈ ગયો હતો. પરંતુ ઈરાનમાં ઘૂસ્યા બાદ ઈઝરાયેલે તેને મારી નાખ્યો છે.
ઈસ્માઈલ હાનિયા જ્યાં રહેતો હતો તેના ઘર પર હુમલો થયો
હાનિયા ગઈ કાલે ઈરાનના સર્વોચ્ચ નેતા ઈમામ સૈયદ અલી ખમેનીને પણ મળ્યો હતો. બીજા દિવસે એટલે કે બુધવારે સવારે ઈઝરાયેલે તે ઘરને નિશાન બનાવ્યું જેમાં ઈસ્માઈલ હાનિયા તેના સુરક્ષાકર્મીઓ સાથે રહેતો હતો. ઈઝરાયેલની કાર્યવાહી પહેલા હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની બેઠકની છેલ્લી તસવીરો સામે આવી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતાએ થોડા કલાકો પહેલા તસવીરો શેર કરી હતી
ઈરાનના સર્વોચ્ચ નેતા ઈમામ ખમેનીએ હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અને જનરલ સેક્રેટરી ઝિયાદ અલ-નખલાહ સાથે મુલાકાત કરી હતી. ખમેનીએ 13 કલાક પહેલા એટલે કે 30 જુલાઈના રોજ રાત્રે 8.05 કલાકે પોતાના X હેન્ડલ પર મીટિંગની તસવીરો પણ પોસ્ટ કરી હતી. ખમેનીએ લખ્યું, "પેલેસ્ટિનિયન ઇસ્લામિક પ્રતિકાર ચળવળ હમાસના રાજકીય બ્યુરોના વડા ઇસ્માઇલ હાનિયા અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ ચળવળના મહાસચિવ ઝિયાદ અલ-નખલા સાથે મુલાકાત કરી."
12 કલાકમાં ઈઝરાયેલના બે દુશ્મનોનો ખાત્મો થઈ ગયો છે
હાલ હનિયાની હત્યા સાથે 12 કલાકમાં ઈઝરાયેલના બે દુશ્મનોનો ખાત્મો થઈ ગયો છે. મંગળવારે ઇઝરાયેલી સેનાએ બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફૌઆદ શુકરને મારવાનો દાવો કર્યો હતો. આ પહેલા એપ્રિલ 2024માં ઈઝરાયેલના સુરક્ષા દળોએ હાનિયાના ત્રણ પુત્રોને પણ મારી નાખ્યા હતા. ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા હતા.