- હમાસ સામેનું યુદ્ધ ‘કરો યા મરો’નું યુદ્ધ ગણાવતા ઇઝરાયલના પીએમ
- પીએમ નેતન્યાહૂએ સરહદી વિસ્તારોમાં જઈ સૈનિકોનો ઉત્સાહ વધાર્યો
- હિઝબુલ્લાહને ઇઝરાયેલ સાથે બીજો યુદ્ધ મોરચો ખોલવાની સામે ચેતવણી
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો આજે 17મી દિવસ છે. ઇઝરાયલ હમાસને માફ કરવાના મૂડમાં નથી. ઇઝરાયલી મિસાઈલ્સ ગાઝામાં હમાસના ઠેકાણાઓને ધ્વસ્ત કરી રહી છે. આરપારની આ લડાઈ વચ્ચે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ સરહદી વિસ્તારોમાં જંગમાં ઉતરેલા સૈનિકોને મળવા માટે પહોંચ્યા હતા અને સૈનિકોને હિંમતપૂર્વક લડવા માટે તેમને ઉત્સાહિત કર્યા હતા.
ઇઝરાયલના સૈનિકો સાથે વાત કરતાં પીએમ નેતન્યાહૂએ હમાસનો ખાતમો કરવાનો સંકલ્પ લીધો અને આ સંઘર્ષમાં ‘કરો યા મારો’ની લડાઈ હોવાનું ગણાવ્યું છે. એક તરફ આ લડાઈ કાર્યવાહી કરવાની લડાઈ છે અને બીજી તરફ જીતવાની લડાઈ છે, એક સંપૂર્ણ વિજય જે હમાસનો ખાત્મો કરશે.
પીએમ નેતન્યાહુએ હિઝબુલ્લાહને ઇઝરાયેલ સાથે બીજો યુદ્ધ મોરચો ખોલવાની સામે ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે યુદ્ધ ફાટી નીકળવાથી "અકલ્પનીય" પરિણામોના હુમલા થશે જે લેબનોન પર "વિનાશ" કરશે. પીએમ નેતન્યાહુના શબ્દોથી સ્પષ્ટ છે કે જો હિઝબુલ્લાહ પણ આ યુદ્ધમાં ઉતરે છે તો લેબનોનમાં તબાહી થવાની ખાતરી છે. અગાઉ, પીએમ નેતન્યાહૂએ તેલ અવીવમાં યુદ્ધ કેબિનેટના સભ્યો સાથે સુરક્ષા મૂલ્યાંકન કર્યું હતું.









