સોમવારે છેલ્લા એક અઠવાડિયામાં ઈઝરાયલ પર બીજો સૌથી મોટો હુમલો થયો. આ વખતે લેબનોનથી હિઝબુલ્લાએ ઈઝરાયલના હાઈફા વિસ્તારમાં ઓછામાં ઓછી 135 'ફાદી-1' મિસાઈલ છોડી છે. હાઈફા ઈઝરાયલનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. સાયરન સતત વાગતી રહ્યા હતા. આ દરમિયાન લોકો બોમ્બ શેલ્ટરમાં છુપાયેલા જોવા મળ્યા હતા.


હાઈફા પર રોકેટ અને મિસાઈલ હુમલો કર્યો

હિઝબુલ્લાએ દાવો કર્યો હતો કે, સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે તેણે ઈઝરાયલના ત્રીજા સૌથી મોટા શહેર હાઈફા પર રોકેટ અને મિસાઈલ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાએ પહેલીવાર 'ફાદી-1' મિસાઈલનો ઉપયોગ કર્યો છે. જેના કારણે હાઈફામાં મોટું નુકસાન થયું છે. ઈઝરાયલની સેના 7 ઓક્ટોબર 2023ના રોજ હત્યાકાંડની પ્રથમ વર્ષગાંઠ મનાવી રહી છે. આ દરમિયાન હિઝબુલ્લાના ઝડપી હુમલાથી ઈઝરાયલ શહેર હચમચી ઉઠ્યું છે.

'ફાદી' મિસાઈલની રેન્જ 80 કિમી સુધીની છે

હિઝબુલ્લાહ પાસે રહેલી 'ફાદી' મિસાઈલ ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. તેની રેન્જ 80 કિમી સુધીની છે. તેને મોબાઈલ પ્લેટફોર્મ પરથી પણ લોન્ચ કરી શકાય છે. તે 83 કિલોના વોરહેડથી સજ્જ છે, જે કોઈપણ પ્રકારના લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સૌથી મોટી વિશેષતા તેની ફાયરપાવર છે. આ જ કારણ છે કે તે ઈઝરાયલના આયર્ન ડોમમાં ઘૂસીને અંદર પ્રવેશ કરે છે.

હાઈફા છોડવામાં આવેલ મિસાઈલને અટકાવવામાં આવી

ઈઝરાયલ પોલીસે પણ પુષ્ટિ કરી છે કે, હાઈફા પર રોકેટ છોડવામાં આવ્યા છે. અહીં એક મુખ્ય બંદર પણ છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, લેબનોનથી હાઈફા પર પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ તેને અટકાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પડેલા પ્રોજેક્ટાઈલની ઓળખ કરવામાં આવી છે. તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઈઝરાયલના ઉત્તરી ગેલિલી પ્રદેશમાં તિબેરિયાસ પર પણ 15 રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ પાંચ રોકેટ પડ્યા હતા.

ઈઝરાયલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ

બીજી તરફ ઈઝરાયલનું કહેવું છે કે, દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ પર તેની સૈન્ય કાર્યવાહી ચાલુ છે. હવાઈ ​​હુમલાની સાથે જમીન પર તેના દળો પણ આતંકી સંગઠનની કમર તોડી રહ્યા છે. જો કે, આ હુમલામાં બે ઈઝરાયલના સૈનિકોના મોત થયા હતા. આ રીતે હિઝબ્બુલા સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વળતો હુમલો જરૂરી છે.

હિઝબુલ્લાહના ગુપ્તચર મુખ્યાલય પર બોમ્બમારો

લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સરહદી શહેર બિન્ટ જબિલમાં મ્યુનિસિપલ બિલ્ડિંગ પર ઈઝરાયલના હવાઈ હુમલામાં 10 અગ્નિશામકોના મોત થયા હતા અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. રવિવારે થયેલા હવાઈ હુમલામાં દક્ષિણ અને પૂર્વી શહેરોમાં 22 લોકોના મોત થયા હતા. ઈઝરાયલના રક્ષા દળોએ એવો પણ દાવો કર્યો હતો કે, તેની હવાઈ દળે બેરૂતમાં હિઝબુલ્લાહના ગુપ્તચર મુખ્યાલય પર બોમ્બમારો કર્યો હતો.

7 ઓક્ટોબર એ આત્મનિરીક્ષણનો દિવસ છે

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસના ચીફ ઓફ સ્ટાફ જનરલ હરઝી હલેવીએ જણાવ્યું હતું કે, "7 ઓક્ટોબરે એક વર્ષ વીતી ગયું છે, જે દિવસે અમે ઈઝરાયલના નાગરિકોની સુરક્ષા કરવાના અમારા મિશનમાં નિષ્ફળ ગયા હતા. 7 ઓક્ટોબર એ આત્મનિરીક્ષણનો દિવસ છે. અમે હમાસ સામેની લડાઈ ચાલુ રાખીશું અમે હિઝબુલ્લાને ગંભીર ફટકો આપ્યો છે, તેના તમામ ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે.

હિઝબુલ્લાના ચીફના મોત ઈરાને કર્યો હતો હુમલો

આ પહેલા 1 ઓક્ટોબરે હિઝબુલ્લાના ચીફ હસન નરસલ્લાહના મોત બાદ ઈરાને ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. ગત મંગળવારે રાત્રે 10 વાગ્યે ઈરાને ઈઝરાયલ પર અંધાધૂંધ 180થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડીને ખળભળાટ મચાવ્યો હતો. ઈઝરાયલના 10 મિલિયનથી વધુ લોકોએ બોમ્બ શેલ્ટર્સમાં આશ્રય લેવો પડ્યો હતો. આ ભયાનક હુમલાઓ પછી ઈરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેણે હસન નસરાલ્લાહ અને ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લીધો છે.

ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય

ઈરાનના હુમલા દરમિયાન જેરુસલેમથી લઈને ઈઝરાયલની જોર્ડન વેલી સુધી વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય છે. અમેરિકા અને બ્રિટને પણ ઈઝરાયલના બચાવમાં તત્પરતા દાખવી અને મિસાઈલોને હવામાં જ તોડી નાખી. આ હુમલાઓ પછી જેરુસલેમ નજીક એક ગુપ્ત બંકરમાં નેતન્યાહૂની અધ્યક્ષતામાં સુરક્ષા કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાનને કડક ચેતવણી આપી હતી.

  • Follow us on: